મુંબઈ,તા.૧૩
ધ કપિલ શર્મા શો બ્રેક બાદ ટીવી સ્ક્રિન પર વાપસી કરવા માટે તૈયાર છે. મોસ્ટ પોપ્યુલર શોમાંથી એક તેવા ’ધ કપિલ શર્મા શો’નો પ્રોમો થોડા દિવસ પહેલા જ લોન્ચ કરવામાં આવ્યો હતો. જેમાં કપિલ શર્મા, ભારતી સિંહ, કૃષ્ણા અભિષેક, અર્ચના પૂરણ સિંહ, સુદેશ લહેરી, ચંદન પ્રભાકર અને કિકુ શારદા દેખાયા હતા. જો કે, તેમાં એક્ટ્રેસ સુમોના ચક્રવર્તીની ગેરહાજરી સૌને ખટકી હતી. પ્રોમોમાં સુમોના ચક્રવર્તી ન જોવા મળતા તે નવી સીઝનનો ભાગ નથી તેવી અટકળો શરુ થઈ ગઈ હતી. અર્ચના પૂરણ સિંહે આ અંગે મૌન તોડ્યું છે અને ખુલાસો કર્યો છે કે સુમોના ચક્રવર્તી શો ભાગ છે. આજ તક સાથે વાતચીત કરતાં અર્ચનાએ કહ્યું કે, ’સુમોના ચક્રવર્તીને અત્યારસુધી આપણે કપિલ શર્માની પત્ની ભૂરીના પાત્રમાં જોઈ છે. જો તમને લાગી રહ્યું છે કે સુમોના નવી સીઝનનો ભાગ નથી તો તમે ખૂબ જલ્દી ચોંકી જશો. શોમાં તેની એન્ટ્રી થવાની છે, પરંતુ તેનો નવો અવતાર એકદમ અલગ હશે. ધ કપિલ શર્મા શો’ વિશે વાત કરતાં અર્ચના પૂરણ સિંહે કહ્યું, નવી સીઝનમાં શોનો પરિવાર મોટો હશે. કારણ કે તેમાં સુદેશ લહેરીની એન્ટ્રી થઈ છે, જે પ્રોમોમાં પણ જોવા મળ્યો હતો. ધ કપિલ શર્મા શો’ની વાત કરીએ તો, અક્ષય કુમાર તેની અપકમિંગ ફિલ્મ ’બેલ બોટમ’ની ટીમ સાથે પહેલો મહેમાન બનવાનો છે. બાદમાં અજય દેવગણ, નોરા ફતેહી અને સોનાક્ષી સિન્હા ’ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ને પ્રમોટ કરવા માટે આવશે. જેનું શૂટિંગ થઈ ગયું છે. કપિલ શર્માએ હાલમાં જ સોશિયલ મીડિયા પર નવા સેટની તસવીરો શેર કરી હતી. જેમાં સેટનું સંપૂર્ણ મેકઓવર જોવા મળ્યું હતું. તસવીરોમાં સેટ પર એટીએમ, ૧૦ સ્ટાર ઢાબા અને એક ચિલ પેલેસ પણ જોઈ શકાય છે. નવી લાઈટિંગની સાથે સોફા સેટ પણ નવો મૂકવામાં આવ્યો છે. ધ કપિલ શર્મા શો’ની ગત સીઝન પર આ વર્ષની શરુઆતમાં પડદો પડી ગયો હતો. મહામારીના કારણે કોઈ ફિલ્મ રિલીઝ ન થઈ રહી હોવાથી તેમજ લાઈવ ઓડિયન્સ પણ ન હોવાથી મેકર્સે શો ઓફ-એર કરવાનું નક્કી કર્યું હતું. આ સિવાય તે સમયે કપિલ શર્માની પત્ની ગિન્ની ચતરથ બીજીવાર પ્રેગ્નેન્ટ હોવાથી તે પેટરનિટી લીવ પર હતો.