ભૂસ્ખલનથી ચિનાબ નદીનો પ્રવાહ રોકાતાં લોકોમાં ભય

143

ભૂસ્ખલન બાદ આસપાસના ૧૩ ગામના હજારો લોકોનું રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું, લોકો સ્થળાંતર માટે મજબૂર
લાહોલ સ્પિતિ, તા.૧૩
હિમાચલ પ્રદેશના લાહોલ સ્પિતિમાં શુક્રવારે ફરી એકવાર કુદરતનો કેર જોવા મળ્યો છે. ઉદયપુરના નાલદા ગામ નજીક ભૂસ્ખલન થયુ છે. જે બાદ ચિનાબ નદીનો પ્રવાહ રોકાઈ ગયો છે. જેના કારણે ૧૦-૧૫ ટકા પાણી જ આગળ વધી રહ્યું છે. વળી ગામની નજીક એક કૃત્રિમ સરોવર પણ બની ગયુ છે. જેના કારણે લોકોમાં ભારે ભય છે. ગામના લોકો સ્થળાંતર કરવા માટે મબજૂર બન્યા છે. એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે લોકોનું રેસ્ક્યૂ કરી રહી છે. મહત્વનુ છે આ ભૂસ્ખલન બાદ આસપાસના ૧૩ ગામના હજારો લોકોનું રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશની સરકારના એક અધિકારીએ જણાવ્યું કે, લાહોલ સ્પિતિના જસરથ ગામની પાસે આ ભૂસ્ખલનની ઘટના બની છે. મોટી સંખ્યામાં પહાડનો કાટમાળ નદીમાં જઈને પડતા પ્રવાહ અટકી ગયો છે. જેના કારણે એક સરોવર બની ગયુ છે. લોકોનો જીવ જોખમમાં ના મૂકાય એ માટે લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે. સાથે જ જિલ્લા સ્થાનિક તંત્રએ લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે અપીલ કરી છે. આ ભૂસ્ખલની ખેતીના ઊભા પાકને પણ ભારે નુકસાન થયુ છે. સરોવરમાં સતત પાણી વધી રહ્યું છે. જેનાથી ગામ ડૂબી જવાનો ખતરો તોળાઈ રહ્યો છે.
લાહોલ સ્પિતિના ડેપ્યુટી કમિશનર નીરજ કુમારે જણાવ્યું કે, લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી ચાલી રહી છે. નદીનો પ્રવાહ રોકાતા ૧૧ ગામ પર ખતરો તોળાઈ રહ્યો છે. છેલ્લાં કેટલાંક દિવસોમાં ભૂસ્ખલનની આ ત્રીજી ઘટના છે. આ પહેલાં કિન્નોર જિલ્લામાં ભૂસ્ખલનની બે ઘટનાઓ બની હતી.

Previous articleસેન્સેક્સ-નિફ્ટી સર્વોચ્ચ સપાટી પર અંતે બંધ રહ્યા
Next articleકૈલાશ વિજયવર્ગીયના દર્શન માટે પૂજારીઓને રોકી દેવાયા