કૈલાશ વિજયવર્ગીયના દર્શન માટે પૂજારીઓને રોકી દેવાયા

222

ઉજ્જૈનમાં ભસ્મ આરતી દરમિયાન હંગામો : ભસ્મ આરતી અડધો કલાક મોડી ચાલુ થઈ, નેતાઓ અને પુજારીઓ વચ્ચેના વિવાદનો વીડિયો વાયરલ થયો
ઉજ્જૈન, તા.૧૩
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવ મંદિરોમાં પૂજાનું વિશેષ મહત્વ છે પરંતુ કોરોનાના અનુસંધાને સામાન્ય શ્રદ્ધાળુઓ અને વીઆઈપીના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. લોકો લાઈવ પ્રસારણના માધ્યમથી દર્શન કરી રહ્યા છે. ત્યારે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં ભસ્મ આરતી દરમિયાન મહાકાલ મંદિરમાં ભારે હંગામો થયો હતો. હકીકતે ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય, તેમના પુત્ર અને ધારાસભ્ય આકાશ વિજયવર્ગીય અને ધારાસભ્ય રમેશ મેંદોલાને ભસ્મ આરતી પહેલા મહાકાલના દર્શન કરાવવા માટે મુખ્ય પુજારીઓને અટકાવી દેવામાં આવ્યા હતા. આ કારણે પુજારીઓએ ભારે હંગામો મચાવ્યો હતો. હંગામાના કારણે ભસ્મ આરતી આશરે અડધો કલાક મોડી ચાલુ થઈ હતી. કોઈ વ્યક્તિએ નેતાઓ અને પુજારીઓ વચ્ચેના વિવાદનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં શેર કરી દીધો હતો જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ત્રણેય નેતા શુક્રવારે સવારે મહાકાલના દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને તેમના આગમન સાથે જ મંદિર પ્રશાસને તમામ દરવાજા બંધ કરી દીધા હતા. આ દરમિયાન સીસીટીવી કેમેરા પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. સવારે ૪ઃ૦૦ વાગ્યે ભસ્મ આરતી કરવા માટે જ્યારે મુખ્ય પુજારી અને બીજા પુજારી ગેટ નંબર-૪ પર પહોંચ્યા તો તેમને અંદર જતા રોકવામાં આવ્યા હતા. જોકે, થોડા સમય બાદ પુજારીઓને અંદર જવા દેવામાં આવ્યા હતા. વાયરલ વીડિયોમાં પુજારીઓ એમ કહેતા સંભળાય છે કે, કૈલાશજી, મેંદોલાજી તમારા કારણે પુજારીઓને નીચે નથી આવી દેવામાં રહ્યા. શું તમે આ અંગે કશું કહેશો. આ દરમિયાન રમેશ મેંદોલા મીડિયાથી બચીને નીકળતા જણાય છે. પુજારીઓએ કૈલાશ વિજયવર્ગીય સાથે આકાશ અને રમેશ મેંદોલાને જોયા એટલે તેઓ નારાજ થઈ ગયા હતા અને હંગામો શરૂ કર્યો હતો. તેમણે મુખ્યમંત્રી સમક્ષ ફરિયાદ કરવા જણાવ્યું છે.

Previous articleભૂસ્ખલનથી ચિનાબ નદીનો પ્રવાહ રોકાતાં લોકોમાં ભય
Next articleતમિલનાડુમાં પેટ્રોલના ભાવમાં ૩ રૂપિયાનો ઘટાડો