વડાપ્રધાન મોદી લાલ કિલ્લાની પ્રાચીરથી રાષ્ટ્રને સંબોધિત કરશે
ન્યુ દિલ્હી,તા.૧૪
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે એટલે કે ૧૫ ઓગસ્ટે ૭૫મો સ્વતંત્રતા દિવસના પ્રસંગે પ્રતિષ્ઠિત લાલ કિલ્લાની પ્રાચીરથી રાષ્ટ્રને સંબોધિત કરશે. પીએમ નરેન્દ્ર મોદીનુ સ્વતંત્રતા દિવસ પર આ વખતે સતત ૮મુ સંબોધન હશે. લાલ કિલ્લાની પ્રાચીરથી રાષ્ટ્રીય ધ્વજ તિરંગો લહેરાવ્યા બાદ પીએમ મોદી સવારે લગભગ ૭.૩૦ વાગે પોતાનુ રાષ્ટ્રના નામે સંબોધન કરશે.
૧૫ ઓગસ્ટે પીએમ મોદીએ ખાસ મહેમાન તરીકે સમગ્ર ભારતીય ઓલિમ્પિક ટુકડીને લાલ કિલ્લા પર આમંત્રિત કર્યા છે. પીએમ મોદી પણ દરેકને વ્યક્તિગત રીતે મળશે અને વાત કરશે. આ સિવાય પીએમ મોદી તમામ ખેલાડીઓને તેમના નિવાસસ્થાને અલગથી મળશે. વડાપ્રધાન મોદી ૧૬ ઓગસ્ટના રોજ તેમના નિવાસસ્થાને ખેલાડીઓ અને તેમના કોચને મળશે. આ દરમિયાન પીએમ ખેલાડીઓ અને મેડલ વિજેતાઓ સાથે પણ વાત કરશે. આ તરફ રાજધાની દિલ્હી તેમજ દેશનાં ઘણાં શહેરોમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. શુક્રવારે દિલ્હીના લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની પરેડ માટે ફુલ ડ્રેસ રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું. આગ્રામાં ૭૫ પેરાટ્રૂપર્સના પેરાબ્રિગેડ કર્મચારીઓએ શુક્રવારે ફ્રી ફોલ પ્રદર્શન કર્યું હતું.
પાકિસ્તાનના ૭૫મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે અટારી-વાઘા બોર્ડર પર ભારત અને પાકિસ્તાનના સૈનિકોએ એકબીજાને મીઠાઈઓ આપી હતી. દર વર્ષની જેમ લાલ કિલ્લા અને એની આસપાસના વિસ્તારો, સરહદી વિસ્તારો અને દિલ્હીમાં સુરક્ષા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હી પોલીસના જનસંપર્ક અધિકારી ચિન્મોય બિસ્વાલે જણાવ્યું હતું કે કોઈપણ ખતરાનો સામનો કરવા માટે ડ્રોન, બલૂન અથવા અન્ય કોઈપણ વસ્તુ ઉડાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આતંકી હુમલાના ઇનપુટ્સ વચ્ચે ખાલિસ્તાની સમર્થકોને લઈને મળેલા ગુપ્ત એલર્ટથી દિલ્હી પોલીસ સક્રિય થઈ છે. પોલીસે પોતાના ગુપ્ત વિભાગની સ્પેશિયલ યૂનિટને પણ એલર્ટ કરી દીધી છે. જાણકારી પ્રમાણે ઐતિહાસિક તથા ધાર્મિક સ્થળો પર સાદા કપડામાં પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવી રહ્યાં છે. આ સિવાય ૧૫ ઓગસ્ટ પર ફુગ્ગા અને ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દિલ્હીમાં કલમ ૧૪૪ પણ લાગૂ કરી દેવામાં આવી છે. આ વર્ષે કૃષિ કાયદાની વિરુદ્ધ બોર્ડર પર બેઠેલા કિસાન પોલીસ માટે મોટો પડકાર છે. આ પહેલા ૨૬ જાન્યુઆરીએ કિસાન આંદોલન દરમિયાન હિંસા થઈ હતી. તેના કારણે દરેક સંભવ પ્રયાસ કરવામાં આવી રહી છે કે આ વખતે કોઈ પ્રકારની બેદરકારી જોવા મળે નહીં. મહત્વનું છે કે ૧૫ ઓગસ્ટના સમયે દિલ્હી હંમેશા એલર્ટ પર રહે છે.