એક આતંકવાદીએ પાનીપત ઓઈલ રિફાઈનરીની રેકી કરીને તેનો વીડિયો પાકિસ્તાન મોકલ્યો હતો અને હવે તેને અયોધ્યા રામ જન્મભૂમિની રેકી કરવા કહેવામાં આવ્યું હતું
શ્રીનગર,તા.૧૪
સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા જ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓના મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીર પોલીસે જૈશના મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ૪ આતંકવાદીઓની ધરપકડ કરી છે. આતંકવાદીઓએ સ્વતંત્રતા દિવસ પર મોટરસાઈકલ આઈઈડીનો ઉપયોગ કરીને હુમલો કરવાની યોજના બનાવી હતી પરંતુ પોલીસે તેમની યોજના પર પાણી ફેરવી દીધું છે. સુરક્ષા દળ સતત જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ વિરૂદ્ધ અભિયાન ચલાવી રહ્યું છે. તે અંતર્ગત જમ્મુ પોલીસે જૈશના ૪ આતંકવાદીઓ અને તેમના સહયોગિઓની ધરપકડ કરી છે. આ આતંકવાદીઓ ડ્રોન દ્વારા ફેંકવામાં આવેલા હથિયારો એકઠા કરવાનું અને તેને ઘાટીમાં એક્ટિવ જૈશના આતંકવાદીઓ સુધી પહોંચાડવાનું ષડયંત્ર રચી રહ્યા હતા. સાથે જ તેઓ ૧૫ ઓગષ્ટ પહેલા વાહનમાં આઈઈડી લગાવીને હુમલો કરવાની ફિરાકમાં હતા. આ ઉપરાંત તેઓ દેશના અન્ય શહેરોમાં પણ ટાર્ગેટની રેકી કરી રહ્યા હતા. પોલીસે સૌથી પહેલા મુંતજિર મંજૂરની ધરપકડ કરી હતી. તે પુલવામાનો રહેવાસી છે અને જૈશનો આતંકવાદી છે. તેના પાસેથી એક પિસ્તોલ, એક મેગેઝિન અને ૮ રાઉન્ડ કારતૂસ, ૨ ચીની હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા. તે હથિયાર લઈ જવા માટે ટ્રકનો ઉપયોગ કરતો હતો અને તે ટ્રક સીઝ કરી દેવામાં આવ્યું છે. બાકીના ૩ આતંકવાદીઓ પૈકીના એકે પાનીપત ઓઈલ રિફાઈનરીની રેકી કરીને તેનો વીડિયો પાકિસ્તાન મોકલ્યો હતો અને હવે તેને અયોધ્યા રામ જન્મભૂમિની રેકી કરવા કહેવામાં આવ્યું હતું. આ તરફ જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ ખાતે સેનાને આઈઈડી મળી આવ્યા હતા જેને ડિફ્યુઝ કરી દેવામાં આવ્યા છે.