કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા ખાતે ૭૫માં સ્વાતંત્ર્ય દિવસની ભાવનગર નાગરિક સહકારી બેંકનાં ચેરમેન જીતુભાઈ ઉપાધ્યાયનાં વરદ હસ્તે ધ્વજારોહણ કરી કરવામાં આવી હતી. મહેમાનોનું સ્વાગત સંસ્થાનાં માનદમંત્રી મહેશભાઈ પાઠકે કર્યું હતું. આ પ્રસંગે શાળાના બાળકોએ દેશભક્તિ ગીતો રજુ કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા જ્યારે યોગ નિદર્શન, સર્કલબોલ અને લીંબુ ચમચીની સ્પર્ધાનું આયોજન કરી વિજેતા પ્રજ્ઞાચક્ષુ બાળકોને રોકડ પુરસ્કારનું વિતરણ ઉપસ્થિત મહેમાનો અને શાળાના ટ્રસ્ટીઓનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જીતુભાઈ ઉપાધ્યાયે શાળાના બાળકોની સર્વાંગી વિકાસની યાત્રામાં નાગરિક સહકારી બેંકનો સંપૂર્ણ સહયોગ મળતો રહેશે તેવી બાહેંધરી આપી હતી. અધ્યક્ષ સ્થાનેથી સંસ્થાનાં જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીએ જણાવ્યું હતું કે સંસ્થાએ પોતાનાં નવ દાયકાની યાત્રા પૂર્ણ કરી છે. પ્રજ્ઞાચક્ષુ બાળકોનાં શિક્ષણ, રોજગાર અને તેના પુનઃસ્થાપનનાં કાર્યને પહોંચી વળવા દિનપ્રતિદિન અવનવી યોજનાઓ દાખલ થઇ રહી છે. સ્વાતંત્ર્ય સંગ્રામનો ઈતિહાસ આપી તેમણે વર્તમાન પરીસ્થિતિને અનુરૂપ દેશનાં નાગરિકોએ પોતાની ફરજ પ્રત્યે સભાનતા દાખવવી જોઈએ તેવી ટકોર કરી હતી. આ પ્રસંગે સંસ્થાનાં ટ્રસ્ટી પંકજભાઈ ત્રિવેદી, કનુભાઈ પટેલ, ભાવેશભાઈ વાઘેલા તેમજ નાગરિક સહકારી બેંકનાં બીપીનભાઈ તેમજ ધીરુભાઈ કરમટીયા અને સંસ્થાનાં કર્મવીરો ઉપસ્થિત રહ્યા હતા.