ભાવનગર શહેરમાં આવનાર શ્રાવેણી પર્વોમા છાંટો-પાણીનાં શોખીન પ્યાસીઓની પ્યાસ બુઝાવવા ટેકરી ચોકના બુટલેગર “ચોકલેટે” અવાવરું જગ્યામાં ઉતારેલ અડધાં લાખના દારૂના જથ્થા સાથે એક ખેપીયાને ઝડપી લીધો હતો જયારે “ચોકલેટ” પોલીસને હાથતાળી આપી નાસી છુટવામા સફળ રહ્યો હતો.
વર્તમાન શ્રાવણમાસમાં શહેર-જિલ્લામાં દારૂ, જુગાર સહિતની બદ્દીઓ કડક હાથે ડામી દેવાની સુચના રેન્જ આઈજી અશોકભાઈ યાદવે વિવિધ ટીમોને આપેલ હોય જે સંદર્ભે ઘોઘારોડ પોલીસ ની ટીમ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં પેટ્રોલીંગ પર હોય એ દરમ્યાન ટીમને બાતમીદારો પાસેથી ચોક્કસ બાતમી મળી હતી કે ક.પરા સ્થિત ટેકરીચોક વિસ્તારનો કુખ્યાત બુટલેગર પરેશ ઉર્ફે ચોકલેટ હિંમત વાજા વાળાએ શ્રાવણમાસમાં વેચવા માટે પરપ્રાંતિય શરાબનો મોટો જથ્થો ઉતાર્યો છે જે હકીકત આધારે ટીમે ટેકરીચોક પાસે આવેલ ભારત રોલિંગ મિલ સામે ખુલ્લા મેદાનમાં બાવળની કાંટ માં તપાસ કરતાં ૭૫૦ એમ એલ ની ૧૬૮ બોટલ કિંમત રૂ.૫૮,૮૦૦/-સાથે સ્થળ પરથી ખેપીયો શૈલેષ ઉર્ફે સલ્લુ સુરેશ રાઠોડ ઉ.વ.૨૧ રે.ખેડૂતવાસ ૫૦ વારીયા વાળો મળી આવેલ તથા આ શરાબનો જથ્થો છે એ પરેશ ઉર્ફે ચોકલેટ હિંમત વાજા નાસી છુટવામા સફળ રહ્યો હતો આથી પોલીસે બંને બુટલેગરો વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.