પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ અંતર્ગત હાથસણી ગામે પ્રકૃતિ શીબીર યોજાઇ

152

પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ અંતર્ગત ભાવનગર વિસ્તાર અને નગરની પ્રકૃતિ શિબિર હાથસણી મુકામે તારીખ ૧૫/૧૬ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ યોજાઇ ગઇ.આ શિબિરમાં ભાવનગર, ઘોઘા, પાલિતાણા, તળાજા, વલ્લભીપુર, અને બોટાદમાંથી કુલ મળીને ૧૦ મહિલાઓ, ૮ બાળકો અને ૫૫ પુરુષો સાથે ૭૩ વ્યક્તિઓ જોડાયાં હતાં. જેમાં ડૉ.મહેન્દ્રસિંહ સરવૈયા દ્વારા આયુર્વેદીક વનસ્પતિપરિચય, પ્રવીણભાઇ સરવૈયા દ્વારા કેમ્પ ફાયરનું સંકલન, જિજ્ઞેશભાઇ ત્રિવેદી દ્વારા પંચ તારક ઘરની વાત અને મનસુખભાઇ બોરીચા દ્વારા પર્યાવરણ ટીમની રચના કરવામાં આવી હતી.શિબિરમાં વનસ્પતિ પરિચય, કેમ્પ ફાયર અને ટ્રેકિંગ થયા. તેમજ બે સત્રમાં બેઠક યોજવામાં આવી હતી. એક તરફ હિલ્લોળતી શેત્રુંજી નદી અને બીજી તરફ જૈનોના પવિત્ર તથા વિખ્યાત હસ્તગીરી પર્વતના અફાટ કુદરતી સૌંદર્ય – પ્રાકૃતિક સંપદાથી ભરપૂર આ સ્થાન હરકોઇને આકર્ષવા માટે પૂરતું છે. નદી અને પર્વત વચ્ચે બૃહદ ગીર વિસ્તારનો સિંહ અને દીપડાનો વસવાટ ધરાવતો પટ છે. અને આ રમણીયતામાં આસ્થાનો દીપક પ્રજ્જવલિત કરે છે હસ્તગીરીજીના દક્ષિણ- પશ્ચિમ છેડે આવેલ ભોજનાથ મહાદેવ મંદિરનો પરિસર. આજથી ચારસો વર્ષ પહેલાં હાથસણીના ભક્ત ભોજસિંહજી સરવૈયાએ બંધાવેલ આ મંદિર માટે એક ઐતિહાસિક બાબત પણ જોડાયેલ હોવાનું મનાય છે… ઇ. સ.૧૮૫૭ના બળવા બાદ નાના સાહેબ પેશ્વાએ સન ૧૮૬૫માં શિહોરમાં દયાનંદ યોગેન્દ્ર નામ ધારણ કરીને સંન્યાસ લીધો હતો. તેમનું અવસાન સન ૧૯૦૨માં શિહોરમાં જ થયેલું. આ સમયગાળામાં તેઓ થોડો સમય હાથસણી ભોજનાથ મહાદેવે વેશપલટો કરીને રહેલા. અને તેમણે મંદિરની સામે વિઠોબા એટલે કે રાધાકૃષ્ણની મૂર્તિની સ્થાપના પણ કરેલી. જે એક ઓરડામાં હાલ જોઇ શકાય છે.

Previous articleએલ.આર.વળીયા, પી.આર.મહેતા અને ગુલાબરાજ સંઘવી કોલેજ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ
Next articleNDAની પરીક્ષામાં બેસવા મહિલાઓને સુપ્રીમની મંજૂરી