પુણે, તા.૧૮
વેક્સિનની સૌથી મોટી ઉત્પાદક સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ચેરમેન સાયરસ પુનાવાલાએ જઆવ્યું છે કે વેક્સિનનો બીજો ડોઝ લીધાના છ મહિના બાદ ત્રીજો ડોઝ લેવો જરુરી છે. ખાસ કરીને જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી છે તેમણે ત્રીજો ડોઝ લેવાનું ટાળવું ના જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ પોતે તેમજ સિરમના સાત હજાર કર્મચારીઓએ કોવિશિલ્ડનો ત્રીજો ડોઝ લઈ ચૂક્યા છે. ગત સપ્તાહે પુનાવાલાએ બે અલગ-અલગ રસીના ડોઝ લેવા સામે પણ લાલબત્તી ધરી હતી. તેમણે જણાવ્યું હતું કે વેક્સિન કોકટેલ કોરોના સામે વધારે રક્ષણ આપે છે તે વાતને સમર્થન આપતા કોઈ મોટા અભ્યાસ નથી થયા. તેવામાં પહેલો ડોઝ કોઈ એક રસીનો અને બીજો ડોઝ કોઈ બીજી રસીનો લેવું હિતાવહ નથી. જોકે, પોતાના આ નિવેદન બાદ કલાકોમાં જ તેમણે એવું કહ્યું હતું કે જે વેક્સિનનો પહેલો ડોઝ લીધો હોય તેનો બીજો ડોઝ ઉપલબ્ધ ના હોય તો બીજી કોઈ વેક્સિન લઈ શકાય.
પોતાના આ નિવેદન પર સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું હતું કે જે લોકોએ કોઈ એક વેક્સિનનો પહેલો ડોઝ લીધો હોય અને બીજો ડોઝ લેવાનો સમય થઈ જાય તે વખતે તે જ વેક્સિનના ડોઝ ઉપલબ્ધ ના હોય તો તેઓ અન્ય કોઈ વેક્સિન બીજા ડોઝમાં લઈ શકે છે. વેક્સિનનું કોકટેલ કેટલું અસરકારક છે તેના પર અલગ-અલગ સ્તરે અભ્યાસ ચાલી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જ્યારે એક વેક્સિન યોગ્ય રીતે કામ કરતી હોય ત્યારે વગર કારણે વેક્સિન કોકટેલનો પ્રયોગ કરી ખોટી ગૂંચવણ ઉભી ના કરવી જોઈએ.
વેક્સિનના બે ડોઝ વચ્ચે કેટલા સમયનું અંતર આદર્શ ગણાય તે સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે વાસ્તવિક રીતે જોવા જઈએ તો બે ડોઝ વચ્ચે બેથી ત્રણ મહિનાનું અંતર રાખવું યોગ્ય છે. પરંતુ જ્યારે વેક્સિનનો સ્ટોક ઉપલબ્ધ નહોતો ત્યારે સરકારે આ ગાળાને વધારીને ત્રણ મહિનાનો કરી દીધો હતો. જોકે, આવી કોઈ સ્થિતિ ના હોય ત્યારે બે મહિનાના ગાળામાં બંને ડોઝ લઈ લેવા જોઈએ.