નવી દિલ્હી,તા.૧૯
ભારતીય ક્રિકેટ ટીમે લોર્ડ્સ ખાતે ઐતિહાસિક વિજય હાંસલ કરીને ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેન્ડ સામે ૧-૦ની લીડ મેળવી લીધી છે. હવે ભારતીય ટીમે ૨૫ ઓગસ્ટથી શરૂ થનારી ટેસ્ટની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તમામ ખેલાડીઓ ફરી એક વખત પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના વિકેટકીપર રિષભ પંતે પણ વર્કઆઉટ કર્યું અને તેણે પગના સ્નાયુઓ પર ધ્યાન આપ્યું. આશ્ચર્યજનક બાબત એ છે કે, રિષભ પંતે તેના સાથી ખેલાડી અક્ષર પટેલને ઉંચો કર્યા પછી વર્કઆઉટ કરવાનું શરૂ કર્યું. પંતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો સ્ટોરી શેર કરી છે જેમાં તે અક્ષર પટેલને ખોળામાં ઉભો રાખીને કસરત કરી રહ્યો છે. રિષભ પંત વર્કઆઉટ એક બેન્ચ પર બેઠેલા જોવા મળ્યા હતા અને તેમણે પોતાના ખોળામાં વજનની પ્લેટ રાખી હતી. આ પછી, તેણે તે વજનની ઉપર અક્ષર પટેલને ઉભાભા રાખીને પગને મજબૂત કરવાની કસરત કરી. આ સિવાય પંતે તેના પગના અન્ય સ્નાયુઓ પર પણ કામ કર્યું. પંતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તમને જણાવી દઈએ કે પંતના પગના સ્નાયુઓ ધોની જેવા ખૂબ જ મજબૂત છે, જેના કારણે તે ખૂબ જ શક્તિશાળી શોટ રમે છે. ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે સારું પ્રદર્શન કર્યું હોવા છતાં રિષભ પંતે તેના ચાહકોને નિરાશ કર્યા છે. પંતે અત્યાર સુધી રમેલી દરેક ઇનિંગ્સમાં સારી શરૂઆત કરી હતી પરંતુ તે ક્રિઝ પર સ્થિર થયા બાદ આઉટ થયો હતો. પંતે ૩ ઇનિંગ્સમાં ૨૮ ની સરેરાશથી ૮૪ રન બનાવ્યા છે અને તેનો શ્રેષ્ઠ સ્કોર ૩૭ રન છે. પ્રવાસ પહેલા રિષભ પંત વિશે ઈંગ્લેન્ડમાં ઘણી ચર્ચા થઈ હતી, પરંતુ ડાબા હાથના વિસ્ફોટક બેટ્સમેન અત્યાર સુધી મોટી ઈનિંગ રમી શક્યા નથી. ટીમ ઇન્ડિયા અપેક્ષા રાખશે કે પંત લીડ્ઝ ટેસ્ટમાં વાપસી કરશે. માત્ર પંત જ નહીં, ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પણ અત્યાર સુધી શ્રેણીમાં મોટી ઇનિંગ્સ રમી શક્યા નથી. કોહલીએ ૩ ઇનિંગ્સમાં ૨૦.૬૬ ની સરેરાશથી માત્ર ૬૨ રન બનાવ્યા છે. આ સિવાય પુજારા અને રહાણેની એવરેજ પણ ૨૫ થી ઓછી છે પરંતુ આ બંને ખેલાડીઓએ લોર્ડ્સ ટેસ્ટની બીજી ઇનિંગમાં મહત્વની ઇનિંગ રમીને પોતાના ફોર્મમાં પરત ફરવાના સંકેતો દર્શાવ્યા છે.