અમરેલી શહેરમાં વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા સંરક્ષિત ભારત સંસ્કૃત પરિષદ ગુજરાત પ્રાંત અને સરસ્વતી વિદ્યા મંદિરના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત ભાષા જન જન સુધી પહોંચે અને સમાજના દરેક લોકો ભારતીય સંસ્કૃતિથી પરિચિત થાય તેવા આશયથી જીવન ઉપયોગી સંસ્કૃત સૂત્રોના ઉદ્ઘોષ સાથે વિદ્યાલયના સ્થાનથી આરંભીને લાઠી રોડ ફાટક ૧ કિલોમીટર સુધી આ જન જાગૃતિ રેલી કઢાઈ હતી. આ પુનિત ઘડીએ ભારત સંસ્કૃત પરિષદ ગુજરાત રાજ્યનાં મહામંત્રી ડો. શ્રીકપિલ દેવ શાસ્ત્રીજીનુ માર્ગદર્શન મળ્યું હતું. આ આયોજનમા ભારત સંસ્કૃત પરિષદ ગુજરાત રાજ્યનાં મંત્રી શ્રી મહર્ષિગૌતમભાઈ દવે તેમજ વિદ્યાલયના નિયામક અને ભા.સં.પ. અમરેલી જિલ્લા સંયોજક વિજયભાઈ મહેતા સાથે સાથે વિદ્યાલયના તમામ શિક્ષક શિક્ષિકાઓ, નગર જનો અને દરેક વિદ્યાર્થી મિત્રો ખૂબજ ઉત્સાહ થી જોડાયા હતા. જેમા વિદ્યાલયના છાત્ર છાત્રાઓ દ્વારા આપણા વેદશાસ્ત્રોમા રહેલા ધ્યેય વાક્યો, સૂક્તિઓ અને સદવિચારોને સ્વનિર્મિત પોસ્ટરોના માધ્યમથી પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ પુનીત કાર્યને જોવા માટે નગર જનો માર્ગ પર એકત્રિત થયા હતા અને છાત્રોના અસાધારણ કાર્યને જોઈને છાત્રોને હૃદયથી બિરદાવ્યા હતા. અન્તિમ વેળાએ ભા.સં.પ.ગુ. પ્રાંતના મંત્રી શ્રી મહર્ષિગૌતમભાઈ દવેએ નગરજનોને ઉદ્બોધન કર્યું હતું. ભારત સંસ્કૃત પરિષદની સ્થાપના ૧૯૮૭માં પદ્મશ્રી કે. કા.શાસ્ત્રીજી દ્વારા ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃતભાષાના સંવર્ધન અર્થે કરવામાં આવી હતી. ૧૯૮૭ થી આરંભી ને આજ સુધી સમગ્ર દેશ ભરમાં પરિષદ દ્વારા અનેક સેવાકીય કાર્યો સંસ્કૃતિના સંવર્ધન અને સંસ્કૃત ભાષા પુનઃ જન ભાષાનું માધ્યમ બને તે માટે કરાયા છે. દરેક દેશનું મૂળ તેની સંસ્કૃતિ હોય છે. સંસ્કૃતિના રક્ષણ થી જ દેશ સંતુલિત રહી શકે. તેના વિના બધુજ શૂન્ય સમાન છે. માટે દરેક ભારતીય નાગરિકોએ તેનું રક્ષણ કરવું જ જોઈએ.