કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઇ માંડવિયાની આગેવાનીમાં ત્રિ દિવસીય જન આશિર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેનો આજે સવારે ભાવનગર જિલ્લામાં પ્રવેશ થયો છે. સવારે ગારિયાધાર તાલુકાના ભોરીંગડા ખાતે પ્રવેશ કરતા જ ભાજપના આગેવાનો, કાર્યકરો સહીત ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યાંથી યાત્રા આગળ પ્રસ્થાન થઇ હતી. ગઇકાલે જન આશિર્વાદ યાત્રા કાગવડ ધામ પહોંચતા ત્યાં ડો. માંડવિયાની રજત તુલા કરાઇ હતી અને વરિષ્ઠ આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. આજે સવારે ભોરીંગડા ગામથી ડો. માંડવિયાની જન આશિર્વાદ યાત્રા વિવિધ ગામોમાં ફરી હતી જેમાં વિવિધ ગામમાં ગામના આગેવાનો તથા વિવિધ સમાજના આગેવાનો તથા વેપારીઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરી સન્માનીત કરવામાં આવ્યા હતા.
આ યાત્રા સાંજે ચારોડીયા, પરવડી સહીત ગામો થઇ ગારિયાધાર શહેરમાં પ્રવેશશે અને જાહેર સભા સંબોધશે. ત્યાર બાદ જન આશિર્વાદ યાત્રા પાલિતાણા તાલુકામાં પ્રવેશ કરશે જ્યાં તેમની સાથે ભાજપના હોદ્દેદારો જોડાશે. આ યાત્રામાં ભરતભાઇ ધામેલીયા, ભાવેશભાઇ ગોરસીયા, દેવાંગભાઇ રાજ્યગુરૂ, બટુકભાઇ મકવાણા, ડિ.ડી. સોરઠીયા, કેતનભાઇ કાત્રોડીયા, જયસુખભાઇ ખુંટ, નિલેશભાઇ રાઠોડ, બળવંતભાઇ ખસીયા, ભીખાભાઇ બારૈયા, રાજુભાઇ પરમાર, શૈલેષભાઇ માવાણી સહિત ગારિયાધાર તથા પાલિતાણાના ભાજપના આગેવાનો જોડાયા છે.
મોડી સાંજે યાત્રા ભાવનગર શહેરમાં પ્રવેશશે. આમ, ડો. મનસુખભાઇ માંડવિયાની જન આશિર્વાદ યાત્રાને ભારે પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાઇ રહ્યું છે.