જાહેરમાં બખેડો કરનાર કોંગી મહિલાઓ સામે પ્રદેશ નારાજ : દર્શના જોષી સસપેન્ડ, પારૂલબેનને નોટીસ

219

ગઈકાલે કંસારા પ્રોજેક્ટમાં અડચણરૂપ બાંધકામોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગણી સાથે નીકળેલી કોંગ્રેસની રેલી બાદ જાહેરમાં રસ્તા પર પૂર્વ અને વર્તમાન મહિલા કોંગ્રેસ પ્રમુખ વચ્ચે થયેલી મારામારી અને ગાળાગાળીના બનાવે કોંગ્રેસની આબરુનું લીલામ કર્યું હતું. જે બનાવ સંદર્ભે પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખે પૂર્વ મહિલા પ્રમુખ અને પ્રદેશ મહિલા કોંગ્રેસના મહામંત્રી એવા દર્શનાબેન જોષીને તાત્કાલિક અસરથી પ્રદેશ મહામંત્રી પદેથી દૂર કર્યા છે.છેલ્લા ઘણા સમયથી પૂર્વ મેયર એવા શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ પારૂલબેન ત્રિવેદી અને પૂર્વ પ્રમુખ તેમજ હાલમાં પ્રદેશ મહિલા કોંગ્રેસના મહામંત્રી એવા દર્શનાબેન જોષી વચ્ચે વિખવાદ શરૂ છે. પરંતુ ગઈકાલે તો બંને વચ્ચેનો આંતરિક ઝઘડો જાહેરમાં આવ્યો હતો. કંસારા પ્રોજેક્ટમાં અડચણરૂપ બાંધકામો સંદર્ભે કોંગ્રેસની નીકળેલી રેલી બાદ કોર્પોરેશન કચેરી સામે જાહેરમાં રસ્તા પર જ બન્ને બાખડી પડ્યા હતાં. જાહેરમાં રાજકીય અગ્રણીઓને શોભે નહીં તેવુ વર્તન કર્યું.ગાળા ગાળી અને એક બીજાના કપડા ખેંચી લાફા પણ ચોડી દીધા. માંડ માંડ બન્નેને છુટા પડાવ્યા. જે બનાવની જાણ પ્રદેશ કોંગ્રેસમાં પણ કરવામાં આવી હતી.અને આજે પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ પ્રદેશ મહિલા કોંગ્રેસના મહામંત્રી દર્શનાબેન જોષીને તેઓની અશિસ્તને કારણે કોંગ્રેસ છબીને મોટુ નુકસાન થયું હોવાથી તાત્કાલિક પ્રદેશ મહિલા કોંગ્રેસના મહામંત્રી પદેથી હટાવવાનો હૂકમ કર્યો હતો. જ્યારે ભાવનગર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ પારૂલબેન ત્રિવેદીને તેઓ દ્વારા જાહેરમાં કરેલી અશિસ્તનો દસ દિવસમાં ખુલાસો આપવા નોટિસ ફટકારી છે. આ અંગે દર્શનાબેનનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતુ કે, મિડિયામાં સામે આવવાની કોઈ વાત ન હતી. હું પ્રમુખ તરીકે હતી ત્યારે મિડિયામાં છવાયેલી હતી. મારા પગમાં સળીયા હતા અને તેમાં આગળ આવવા માટે તેઓ ભટકાતા દુઃખાવો થતા આ અંગે બોલાચાલી થઈ હતી.

Previous articleશહેરમાં ૩૫ કલાત્મક તાજીયા પડમાં આવ્યાં, રાત્રે ટાઢા કરાયા
Next articleભાગ્યશ્રી કરતા પણ દીકરી અવન્તિકા વધુ ગ્લેમરસ છે