બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના વેજલકા ગામની ૪૫ જેટલી વિદ્યાર્થિનીઓને અભ્યાસ માટે અન્ય ગામમાં જવા માટે એસટી બસની સુવિધા ના મળતા દરરોજ ૩ કિમી ચાલવા મજબૂર થવું પડી રહ્યું છે. ગામના સરપંચ દરેક ગ્રામસભામાં બસની સુવિધાનો પ્રશ્ન રજૂ કરે છે પણ ગામલોકો અને વિદ્યાર્થીઓ હજી બસ સુવિધા મળે તેની રાહ જ જોઈ રહ્યા છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં વેજલકા ગામ આવેલું છે, આ ગામની વસ્તી અંદાજે ૩૦૦૦ હજારની છે. આ ગામમાં ૧થી ૮ પ્રાથમિક શાળા આવેલી છે પરંતુ ધોરણ ૮ પછી ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને બાજુમાં આવેલા સુંદરીયાણા ગામે અથવા ધંધુકા જવું પડતું હોય છે. ત્યારે હાલમાં આ ગામના ૬૫ વિદ્યાર્થીઓ ધોરણ ૯ થી ૧૨માં સુંદરીયાણા ગામની હાઈસ્કૂલમાં અભ્યાસ માટે જાય છે. જેમાંથી ૪૫થી વધુ વિદ્યાર્થિનીઓ છે. શાળાનો સમય હાલમાં ૧૧ થી ૫ નો છે પરંતુ આ ગામના વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે બસની સુવિધા ન હોવાથી ગામની તમામ દીકરીઓને ૩ કિલોમીટર ચાલીને ચંદરવા ગામ સુધી આવવું પડે છે. અને ત્યાંથી એસ.ટી.ની બસ મળે છે. તેમાં પણ જો આ બસમાં આગળના ગામડાઓમાંથી મુસાફરો વધુ હોય તો ઘણા વિદ્યાર્થીઓ આ બસમાં ચડી સકતા નથી, જેના લીધે તેમને ચંદરવાથી પણ બીજા કોઈ વાહનમાં જવું પડે છે.જેથી વિઘાથીઓ નો સમય વેડફાઈ છે અને અભ્યાસ થતો નથી. આ બાબતે આ વિદ્યાર્થીઓ માટે બસ શરૂ કરવા ગામના આગેવાન ભીખુભાઈ ડોડીયા દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં આ વિદ્યાર્થીઓ માટે આજદિન સુધી બસ શરૂ કરવામાં આવી નથી. માટે વહેલીતકે આ વિદ્યાર્થીઓ માટે બસ શરૂ કરવામાં આવે તેવી વિઘાથીઓ અને ગામના આગેવાનોએ માંગ કરી છે. જો વિઘાથીઓ માટે તાત્કાલિક બસ શરૂ કરવામાં નહી આવે તો આગામી દિવસોમાં રસ્તા રોકો સહિતના આંદોલન કરવામાં આવશે તેમ ગામના પૂર્વ સરપંચ સહિત આગેવાનોએ દ્વારા ચીમકી ઉચ્ચારી હતી.