હિંડોળા એટલે ભગવાનના ભક્તો માટે ભગવાનનું સીધું સાનિધ્ય પામવાનો ઉત્સવ.વૈષ્ણવી પરંપરા મુજબ શ્રી કૃષ્ણે વૃંદાવનમાં ગોપીઓ સાથે રાસ રમીને લીલા કરી હતી તેની સ્મૃતિઓની યાદ રૂપે હિંડોળામાં કૃષ્ણને ઝુલાવામાં આવે છે તેમ માનવામાં આવે છે.ચાતુર્માસ દરમ્યાન અનેક વ્રતો અને ઉત્સવો આવે છે. તેમાં હિંડોળા ઉત્સવ પણ આવે છે. અષાઢી વદ બીજથી પ્રારંભ થતો આ હિંડોળા ઉત્સવ શ્રાવણ વદ-બીજ સુધી એક મહિના સુધી ચાલે છે. નિત્ય ભગવાન આ હિંડોળામાં બિરાજમાન થઈને ઝુલે છે અને ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે.ત્યારે ભાવનગર શહેરના વડવા ચોરા વિસ્તારમાં આવેલ ૯૦૦ વર્ષ જુનુ અને સ્વયંભૂ પ્રગટ થયેલા કામનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. અને સાથોસાથ શ્રી કૃષ્ણના હિંડોળાને નાગરવેલના પાનથી સરસ રીતે શણગારવામાં આવ્યો હતો. આ પ્રસંગે કામનાથ મહિલા મંડળ દ્વારા મૃદંગ-પખવાજ – ઝાંઝ – મંજીરા, ઢોલક તાલબદ્ધ વગાડીને હિંડોળાનાં પદો ગાઈને ઉત્સવ કરવામાં આવ્યો હતો.