હવામાન વિભાગ દ્વારા આગાહી : દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા તેમજ દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ, નવસારીમાં ભારે વરસાદની શક્યતા છે
અમદાવાદ, તા.૨૧
ગુજરાતમાં ફરીથી સક્રિય થયેલું ચોમાસું હવે દક્ષિણ ગુજરાતથી મધ્ય અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ૨ દિવસમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતાઓ છે. આજે એટલે રવિવારે ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં વરસાદની આગાહી છે. સાથે જ રાજ્યના દાહોદ, છોટા ઉદેપુર તથા વડોદરા તેમજ દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ, નવસારી, તાપીમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ઓગસ્ટના અંત સુધીમાં સારો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતમાં ૨ દિવસથી ધમાકેદાર વરસી રહેલા મેઘરાજા હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પ્રવેશ કરશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી ૨ દિવસ દક્ષિણ ગુજરાત ઉપરાંત મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાંક જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લાઓ તથા કચ્છમાં ૨ દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે બાકીના દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે. રાજ્યમાં વરસાદની ૪૭ ટકા જેટલી ઘટ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં ૪૦.૪ ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં ૪૯.૧%, સૌરાષ્ટ્રમાં ૩૫.૪%, મધ્ય ગુજરાતમાં ૩૭.૬%, ઉત્તર ગુજરાતમાં ૩૧.૫% ટકા તથા કચ્છમાં ૩૧.૭ ટકા વરસાદ નોંધાયો છે. અહીં નોંધનીય છે કે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે પરંતુ, હજુ પણ જોઈએ એવો વરસાદ નહીં પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે.