નવી દિલ્લી,તા.૨૨
પૂર્વ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણને રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં કોચ બનવાનો કોર્સ પૂરો કર્યો છે. તેણે કહ્યું કે, તે હવે આઈપીએલની ફ્રેન્ચાઈઝીને કોચિંગ આપવા માગે છે. એક પ્રખ્યાત ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે પોતાની કારકિર્દીની શરૂઆત સ્વિંગ બોલર તરીકે કરી હતી, ત્યારબાદ તેણે બેટિંગમાં પણ પોતાની પ્રતિભા દર્શાવી હતી. હવે તે કોચિંગ પણ કરવા માંગે છે. તેણે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં લેવલ -૨ કોચિંગ કોર્સ પૂર્ણ કર્યો છે. ઇરફાને ક્રિકટ્રેકર સાથેની વાતચીતમાં કહ્યું, જ્યારે તમારી પાસે ૧૭૫ આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો અનુભવ હોય, જે મારી પાસે છે અને તમે આ કોર્સ કરો છો, ત્યારે તમે ખરેખર દરેક પાસાને વિગતવાર સમજો છો. મને લાગે છે કે, એનસીએ આ સંદર્ભમાં એક મહાન કામ કરી રહ્યું છે. હું છેલ્લા ત્રણ વર્ષથી કોચિંગ આપું છું પણ મારા કોચિંગમાં વધુ સારું કરવા માંગુ છું. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે ભવિષ્યમાં કોઈ આઈપીએલ ટીમને કોચિંગ આપવા ઈચ્છે છે, તો ઈરફાને કહ્યું, હું આગળ જઈને આવું કરવાનું પસંદ કરીશ અને આશા છે કે તે થશે. ઈરફાને કહ્યું, ભારતીય ક્રિકેટ સાથે સૌથી સારી બાબત એ છે કે, રાહુલ દ્રવિડ એનસીએ સાથે જોડાયેલા છે. મને તેમના માટે ખૂબ માન છે. રાહુલ ભાઈએ અત્યંત નિષ્ઠા સાથે પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે, રાહુલ દ્રવિડે અંડર -૧૯ અને ઇન્ડિયા છના ખેલાડીઓને કેવી રીતે તૈયાર કર્યા છે. તે દરેક કોચ સાથે પોતાનું જ્ઞાન વહેંચે છે, તેમના દૃષ્ટિકોણને સાંભળે છે તે તેમના વ્યક્તિત્વનો મોટો ભાગ છે. ૩૬ વર્ષીય પઠાણે કહ્યું, આ એક મહાન કોર્સ છે અને મારા કોચિંગને સુધારવામાં મદદ કરે છે. જ્ઞાનએ એવી વસ્તુ છે જેને મેળવવા માટે તમારે હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ. કોર્સના ૮ દિવસોમાં પણ, જો તે કોચિંગના માત્ર ૨-૩ મહત્વના પાસાઓ શીખે તો પણ તે એકદમ ખાસ છે. હું હંમેશા તે કરવા માંગતો હતો અને તમે હંમેશા કંઈક નવું શીખવા માંગશો. શીખવાનું ક્યારેય બંધ થતું નથી અને તમારે નવી પેઢીના કોચિંગ સાથે અદ્યતન રહેવાની પણ જરૂર છે.