૧૨ ગામના ૫૨૫૯ વ્યક્તિઓએ ઈચ્છામૃત્યુની માંગ કરી

658
bvn24418-6.jpg

ઘોઘા તાલુકાના બાડી-પડવા સહિત ૧ર ગામના લોકો છેલ્લા ર૩ દિવસથી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચલાવી રહ્યાં છે. જેમાં તંત્રએ અલગ-અલગ કાયદાની કલમ હેઠળ જાહેરનામાઓ પ્રસિધ્ધ કર્યા હોય જેના વિરોધમાં પાંચ હજારથી વધુ ખેડૂત પરિવારો દ્વારા રાષ્ટ્રપતિ સમક્ષ ઈચ્છામૃત્યુની માંગ સાથે અરજી પાઠવી છે.
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ૧ર ગામના લોકો રાજ્ય સરકાર તથા જીપીસીએલ કંપની સામે ગત ૧ એપ્રિલથી અહિંસક રીતે આંદોલન ચલાવી રહ્યાં છે. ખેડૂતોની જમીનો કંપની દ્વારા સંપાદન મામલે ચાલી રહેલ આંદોલનને લઈને ભાવનગર જિલ્લા મેજીસ્ટ્રેટ તથા એસ.પી. દ્વારા અલગ અલગ વટહુકમ હેઠળ જાહેરનામાઓ પ્રસિધ્ધ કર્યા છે. જેમાં મહત્વની કલમ ૧૪૪ની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ બાબતનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂત સંઘર્ષ સમિતિના હોદ્દેદારોના જણાવ્યા અનુસાર જે લોકોને આ આંદોલન સાથે કશી પણ લેવા-દેવા નથી તેવા વ્યક્તિઓ પણ ૧૪૪ની કલમને લઈને મુશ્કેલીમાં મુકાયા છે.
આવી સ્થિતિને લઈને બાડી ગામે આવેલ બજરંગદાસબાપાની મઢુલી ખાતે ખેડૂત સંઘર્ષ સમિતિના દરેક ગામના હોદ્દેદારો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા. જે એવા પ્રકારે નિર્ણય કરવામાં આવ્યો હતો કે આ આંદોલન સાથે જોડાયેલ ખેડૂત પરિવારોના કુલ પરપ૯ સભ્યોએ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિતનાઓને સંબોધી એક આવેદાનપત્ર તૈયાર કર્યો છે. જેમાં એવા પ્રકારે ઉલ્લેખ કર્યો છે કે, આવી સ્થિતિ વચ્ચે અમારે જીવન જીવવું દુષ્કર થઈ પડ્યું છે. અમારી આજીવિકા છીનવાઈ રહી છે ત્યારે જીવન કઈ રીતે જીવવું..! આથી રાષ્ટ્રપતિ ભારતીય કાયદાની જોગવાઈ અનુસાર અરજીકર્તા તમામ વ્યક્તિઓને ઈચ્છામૃત્યુની મંજુરી આપવામાં આવે. વધુમાં સભ્યોએ જણાવ્યું હતું કે, આંદોલનકારીઓ પર કરવામાં આવેલ ખોટા પોલીસ કેસો રદ્દ કરવા માટે જિલ્લા કલેક્ટર તથા ડીએસપીને રજૂઆત કરવામાં આવશે તથા આગામી દિવસોમાં આશ્ચર્યજનક કાર્યક્રમો દ્વારા આંદોલનને વેગવંતુ કરવામાં આવશે.

Previous articleધોલેરાસર સિંગાપોરને ટક્કર મારે તેવું બનશે : મુખ્યમંત્રી
Next article ચિત્રા જી.આઈ.ડી.સી.માં મોડીરાત્રે ટોળાનો આતંક : સામસામે ફરિયાદ