ગરીબ કલ્યાણ હેઠળ ૧.૨૫ લાખ કાર્ડ ધારકોને પાંચમી સુધી અન્ન અ૫ાશે

133

ગાંધીનગર , તા. ૨૧
આગામી ત્રણથી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભાવે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત ચાલુ માસના અંતે જન્માષ્ટમીના પર્વો આવી રહ્યા છે જેને ધ્યાનમાં રાખીને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ઓગસ્ટ માસનું અન્ન લાભાર્થીઓ પાંચમી સપ્ટેમ્બર સુધી મેળવી શકશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પગલે ગાંધીનગર જિલ્લાના ૧.૨૫ લાખથી વધુ કાર્ડધારકો હવે આગામી પાંચમી તારીખ સુધીઘઉં, ચોખા, તેલ, ખાંડ અને મીઠું સહિતનું અન્ન મેળવી શકશે. કોરોનાના કપરાકાળમાં ગરીબોની હાલત દયનીય બની ગઇ છે આવી સ્થિતિમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૃ કરવામાં આવી છે અને આ રાષ્ટ્રીય યોજના અંતર્ગત ગરીબી રેખાની નીચે જીવતા પરિવારોને રાહતદરે અન્નનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ચાલુ માસમાં અન્ન મેળવવાની અવધી વધારવામાં આવી છે. આ અંગે ગાંધીનગર જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનું વિનામુલ્યે વિતરણ તથા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ હેઠળના સમાવિષ્ટ લાભાર્થીઓને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનું રાહતદરનું ઓગસ્ટ માસનું વિતરણ ચાલુ છે. હાલ વર્ષાઋતુ તથા રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લઇ તેમજ ચાલુ માસના અંતિમ દિવસોમાં આવતા જન્માષ્ટમીને ધ્યાને રાખીને રાજ્યના એનએફએસએ હેઠળના સમાવિષ્ટ લાભાર્થીઓ બન્ને યોજના હેઠળના મળવાપાત્ર લાભથી વંચિત ન રહે તે હેતુસર ઓગસ્ટ ૨૦૨૧ના પીએમજીકેએવાય યોજનાનાના ઘઉં તથા ચોખાના વિનામુલ્યે વિતરણની તથા એનએફએસએ-૨૦૧૩ હેઠળના સમાવિષ્ટ લાભાર્થીઓને ઘઉં,ચોખા, ખાંડ, દાળ, તેલ ,મીઠું જેવી આવસ્યક ચીજવસ્તુઓના ઓગસ્ટ માસના વિતરણની મુદ્દત આગામી સપ્ટેમ્બર ૨૦૨૧માસની પાંચમી તારીખ સુધી લંબાવવામાં આવે છે. ગાંધીનગર જિલ્લામાં આ યોજનાનો લાભ સરેરાશ ૧.૨૫ લાખથી વધુ પરિવારો લઇ રહ્યા છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

Previous articleસમગ્ર રાજ્યમાં રક્ષાબંધનની પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી
Next articleહોલમાર્કિંગ યુનિક IDના વિરોધમાં સોની વેપારીઓની હડતાળ, ભાવનગરની સોની બજાર સજ્જડ બંધ રહી