શહેરના ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં ગત મોડીરાત્રે ટોળાએ આતંક મચાવ્યો હતો. જેમાં જુની અદાવતની દાઝ રાખી પાંચ શખ્સોએ પાનની કેબીન સળગાવી ધંધાર્થીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બાદ ૩૦ લોકોના ટોળાએ સામાપક્ષની હોટલમાં હથિયારો સાથે ધસી જઈ તોડફોડ કરી કારના કાચ ફોડ્યા હતા. પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની મળતી વિગત મુજબ, શહેર ચિત્રા પાસે આવેલ ગણેશનગર પ્લોટ નં.૧પમાં રહેતા માવદાનભાઈ નટુભાઈએ બોરતળાવ પોલીસમાં ફરિયાદ આપી છે કે, લાલભા પઢીયાર, પપ્પુ, શિવો ખાટડી, શિવાનો ભત્રીજો, દિપ ખાટડી તેમજ રપ જેટલા અજાણ્યા શખ્સોએ તેનાભાઈ અશ્વિનભાઈ ગઢવી સાથે ધંધા બાબતે અગાઉ થયેલી બોલાચાલીની દાઝ રાખી તલવાર, ધારીયા, ધોકા, પાઈપ જેવા હથિયારો વડે અશ્વીનભાઈની કાર અને કેબીન પર હુમલો કરી તોડફોડ કરી નુકશાન પહોંચાડ્યું હતું અને સમગ્ર વિસ્તારમાં આતંક મચાવ્યો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો. જ્યારે સામાપક્ષે હિતેન્દ્રસિંહ જસુભા રાણાએ ફરિયાદ આપી છે કે તેની દુકાને જગદિશસિંહ ભીખુભા આવતા હોય જે અશ્વીન ગઢવીને ગમતું ન હોય અને અગાઉ જગદિશસિંહ સાથે બોલાચાલી થયેલ હોય જેની દાઝ રાખી અશ્વીન ગઢવી, માવદાન ગઢવી અને ત્રણ અજાણ્યા શખ્સો હથિયારો સાથે ધસી આવી બોલાચાલી કરી ગાળો આપી કોઈ જ્વલનશીલ પદાર્થ વડે કેબીનમાં આગ લગાડી સળગાવી દીધી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટ્યા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ બી.કે. પરમારે હાથ ધરી છે.