કંસારા કાંઠાના દબાણો હટાવવા ભાજપ, કોંગ્રેસના સભ્યો આમને સામને આવ્યા

506

સત્તાધારી ભાજપ પક્ષે બહુમતીના જોરે ઠરાવ નામંજુર કર્યો : ૧૦ ઠરાવ મંજુર
ભાવનગર મહાનગર પાલિકાની સાધારણ સભા મેયર કિર્તીબેન દાણીધારીયાના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ મળેલી સભમાં કંસારા નદી સજીવીકરણ પ્રોજેક્ટ માટે દબાણકર્તા ગરિબ લોકોના મકાન ન પાડવા અથવા તેઓ માટે વૈકલ્પીક વ્યવસ્થા કરી આપવા કોંગ્રેસ પક્ષે દરખાસ્ત કરી હતી. પરંતુ સત્તાધારી ભાજપ પક્ષે બહુમતીના જોરે આ દરખાસ્ત-ઠરાવ ના મંજુર કર્યો હતો. જ્યારે કર્મચારીઓને એરિયર્સ આપવું, વિજ પટ્ટા રિન્યુ કરવા, ફુલસર ફાઇનલ પ્લોટ સહિતનાં દસ જેટલા ઠરાવ મંજુર કરવામાં આવ્યા હતા. રાવળા હક્કની જમીન, કંસારો કાંઠો વગેરે મુદ્દે ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો આમને સામને આવી ગયા હતા, ઉગ્ર ચર્ચાઓ થઇ હતી, ભારે દેકારા-પડકારા વચ્ચે જાણે શાકમાર્કેટ જેવો માહોલ સર્જાયો હતો. સભામાં દેકારા-પડકારાના કારણે મેયરની ગરિમા પણ જળવાતી ન હતી. મળેલી સભામાં કોંગ્રેસ પક્ષે કોંગ્રેસના સભ્યએ ેક ઠરાવ પરત ખેંચ્યો હતો. ભાવનગર મહાપાલિકાના સભાહોલ ખાતે મળેલી સાધારણ સભામાં વિપક્ષ નેતા ભરતભાઇ બુધેલીયાએ દરખાસ્ત કરી હતી કે, ભાવનગર મનપા દ્વારા કંસારા નદી સજીવીકરણ પ્રોજેકટ ચાલી રહ્યો છે, તે સારી બાબત છે. પ્રોજેકટનો વિરોધ કરતા નથી પરંતુ કંસારાના કાંઠે વસેલા ગરીબ લોકોએ મહામહેનતે ઘર બનાવ્યા છે તે દબાણ હટાવવા મનપાએ નોટીસો આપી છે. દબાણ દુર કરવામાં આવશે તો ગરીબ લોકો મકાન વગર ના થઈ જશે તેથી દબાણ નહી હટાવવા અથવા તેઓ માટે વૈકલ્પીક વ્યવસ્થા કરવા જણાવ્યુ હતું. આ દરખાસ્ત અંગે ભાજપ-કોંગ્રેસના નગરસેવકો વચ્ચે લાંબી અને ઉગ્ર ચર્ચા થઈ હતી. દસ્તાવેજ હોય તેવા મકાનોને પણ નોટીસ આપવામાં આવી છે. આ અંગેની ચર્ચામાં ભાગ લેતા ભાજપના સદસ્યોએ જણાવ્યું હતું કે, સજીવીકરણથી ગંદકી દુર થશે અને માખી-મચ્છરનો ત્રાસ ઘટશે. આ દરખાસ્ત પરત લેવા ભાજપ સભ્યોએ કોંગ્રેસના સભ્યને જણાવ્યુ હતુ પરંતુ તેઓએ દરખાસ્ત પરત લેવાની ના પાડી હતી તેથી આ ઠરાવ માટે મતદાન કરવામાં આવ્યુ હતુ, જેમાં દરખાસ્તની તરફેણમાં કોંગ્રેસના ૭ સભ્યએ આંગળી ઉચ્ચી કરી હતી, જયારે દરખાસ્તની વિરોધમાં ભાજપના ૩૮ સભ્યએ આંગળી ઉચ્ચી કરી હતી. મતદાનના આધારે બહુમતીના જોરે ભાજપે દરખાસ્ત નામંજુર કરી હતી તેથી કોંગ્રેસે આંદોલન કરવાની ચીમકી આપી છે. આ મળેલી સભામાં સાતમાં પગાર પંચ મુજબના પગાર તફાવતની રકમ (એરીયર્સ)ની રકમ ર૪ હપ્તામાં ચુકવવી, સરદારનગર ખાતે આવેલ ઝવેરચંદ મેઘાણી ઓડટોરીયમ, ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી અને આ સંકુલમાં આવેલ મીની થીયેટરના પ્રવર્તમાન ભાડાઓમાં હાલની કોરોનાની પરિસ્થિતીને ધ્યાને લઈ ૩૦ ટકાનો ઘટાડો કરવા તેમજ કોઈપણ વિભાગને લગતો કોઈપણ હેતુ માટેનો કાર્યક્રમ હોય તો તેમને પણ નિઃશુલ્ક નહી ફાળવવા, પ્લાસ્ટીક વેસ્ટના નિકાલની કામગીરી આપવા, લીઝપટ્ટાની મુદ્દત રીન્યુઅલ, રોડનું નામકરણ ૧પમાં નાણાપંચની ગ્રાન્ટમાંથી કામ કરવા સહિતના ૧૦ જેટલા ઠરાવોને મંજુર કરવામાં આવ્યા હતા.

Previous articleગારિયાધારમાં મોબાઈલ પર જુગાર રમાડતાં બે ઝડપાયા
Next articleભાવનગર કસ્બા અંજુમને ઇસ્લામ સંસ્થાને સ્પેશ્યલ જુરી એવોર્ડ ફોર સોશ્યિલ એક્સસેલેન્સથી સન્માનિત કરવા માં આવી