મેં ઈન્ડસ્ટ્રીને બે મેગાસ્ટાર આપ્યા છે : ફરાહ ખાન

185

મુંબઈ,તા.૨૪
ફિલ્મોથી અંતર જાળવનારી રાખી સાવંતની પોપ્યુલારિટી ઘણી છે. તે જ્યાં પણ જાય ફોટોગ્રાફર્સ તેને ઘેરી વળે છે. રાખી સાવંત પોતાના બેબાકીપણા તેમજ અતરંગી કપડાના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં રાખી કોમેડી શોના સ્ટેજ પર પહોંચી હતી, જેના ફરાહ ખાન, રવિ કિશન અને અનુ મલિક જજ છે. એપિસોડ દરમિયાન ખૂબ મજાક-મસ્તી થઈ હતી. તો એક્ટ્રેસે પોતાના સંઘર્ષના દિવસોને યાદ કર્યા હતા. એક્ટ્રેસે ખુલાસો કર્યો હતો કે, સ્લિમ એન્ડ ટ્રિમ દેખાવા માટે તે કેવી રીતે માત્ર એક કપ દાળથી દિવસ પસાર કરતી હતી. રાખી સાવંતે આ દરમિયાન ફરાહ ખાને પ્રોફેશનલી કેવી રીતે તેને મદદ કરી હતી તેના વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું હતું કે ’મેં મારા જીવનમાં ઘણા સંઘર્ષનો સામનો કર્યો છે. હકીકતમાં, હું જેના વિશે સાંભળતી તે તમામ માટે ઓડિશન આપતી હતી. એવો સમય પણ હતો કે કોઈ ચોક્કસ ઓડિશન માટે બોલાવવામાં આવતી નહોતી. હું તેમની ઓફિસમાં જતી હતી અને મારું ઓડિશન લેવાની વિનંતી કરતી હતી. મારી મમ્મીએ મને કહ્યું હતું કે, સંઘર્ષ ઘણો હશે પરંતુ એક દિવસ હું હેલન જેવી બની શકીશ. તેણે ઉમેર્યું હતું કે ’હું સ્લિમ અને ફિટ દેખાવા માટે મારું શ્રેષ્ઠ આપતી હતી. હું રોજ માત્ર એક બાઉલ દાળ ખાતી હતી. જો કે, તો પણ કંઈ સારું થઈ રહ્યું નહોતું. એક દિવસ મને ફરાહ ખાન મેડમની ઓફિસમાંથી ફોન આવ્યો હતો અને તેમણે મને શાહરુખ ખાનની રેડ ચિલી ઓફિસમાં ઓડિશન માટે બોલાવી હતી અને ત્યાંથી બાબતો બદલાઈ. મેં જેવો ફોન મૂક્યો કે તરત બેભાન થઈ ગઈ હતી. મને મારી મમ્મીએ દાળનો બીજો બાઉલ આપ્યો હતો. બાદમાં મને સહેજ સારું લાગ્યું હતું અને ઓડિશન માટે તૈયારી શરૂ કરી હતી. મે હૂં નામાં પોતાના રોલ વિશે વાત કરતાં રાખીએ આગળ જણાવ્યું હતું કે મને કહેવામાં આવ્યું હતું કે હું પાત્ર પ્રમાણે ગ્લેમરસ દેખાવી જોઈએ. પરંતુ હું જે ચાલીમાં રહેતી હતી ત્યારે તમે તેવા કપડા પહેરીને બહાર ન નીકળી શકો મારે શું કરવું જોઈએ? તે મારે મમ્મીને પૂછ્યું હતું. તેમણે મને પડદો આપ્યો હતો, જે મેં મારા કપડા પર લપેટ્યો હતો અને ઓડિશન માટે ગઈ હતી. મને તે ગેટ-અપમાં જોઈને ફરાહ ખાન મેડમ સ્તબ્ધ થઈ ગયા હતા. તેમણે પૂછ્યું હતું કે, આ તું શું પહેરીને આવી છે? બાદમાં મેં તેમને જણાવ્યું હતું’. ફરાહ ખાન અને શાહરુખ ખાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં રાખીએ કહ્યું હતું કે ’તેમણે મારામાં વિશ્વાસ રાખ્યો હતો. તેથી તેમણે તેમની ટીમને કેમેરા તૈયાર કરવા માટે કહ્યું હતું અને મેં પડદો હટાવ્યો હતો. તેમને મારું ઓડિશન ગમ્યું હતું અને તરત જ ફિલ્મ ઓફર કરી હતી. હું ફરાહ ખાન અને શાહરુખ ખાનની ખરેખર આભારી છે.

Previous articleશાળાએ સાક્ષરતાનું નહીં, શિક્ષણનું ધામ બનવું જોઈએ
Next articleકે.એલ. રાહુલે મિત્રનું જ ટીમમાંથી પત્તું કાપી નાખ્યું