ઉધ્ધવ ઠાકરેને લાફો મારવાનું નિવેદન કરનારા કેન્દ્રીય મંત્રી સામે વિરોધ : રત્નાગીરીના સંગમેશ્વરથી રાણેની વોરન્ટ વગર ધરપકડ થતાં ભાજપ દ્વારા ટીકા, ધરપકડ બાદ બ્લડ પ્રેશર અને શુગરમાં વધારો થઈ ગયો
મુંબઈ,તા.૨૩
મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ અણછાજતી ભાષાનો પ્રયોગ કરવા બદલ પોલીસે કેન્દ્રિય કેબિનેટ મંત્રી નારાયણ રાણેની ધરપકડ કરી છે. તાજેતરમાં જ નારાયણ રાણેએ એવું નિવેદન આપ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરેને દેશને આઝાદ થયે કેટલા વર્ષ થયા તેની ખબર નથી, આવા સીએમને એક લાફો મારવો જોઈએ. મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ પોતાના ભાષણ દરમિયાન દેશની આઝાદીને કેટલા વર્ષ થયા તે જાણવા પાછળ વળીને જોવું પડ્યું હતું, જો હું ત્યાં હોત તો મેં તેમને ત્યાં જ એક લાફો ચોડી દીધો હોત. હાલ નારાયણ રાણેની મહારાષ્ટ્રમાં જન આશિર્વાદ યાત્રા ચાલી રહી છે. તેઓ રત્નાગીરીના સંગમેશ્વર પહોંચ્યા ત્યારે વરિષ્ઠ અધિકારીઓની એક ટીમ ત્યાં પહોંચી હતી અને ત્યાં ધરપકડની પ્રક્રિયા પૂરી કરવામાં આવી હતી. બીજી તરફ, રાણેના નજીકના સાથી પ્રમોદ જાથરે દાવો કર્યો હતો કે પોલીસ પાસે કોઈ અરેસ્ટ વોરન્ટ નહોતું, ઉચ્ચ અધિકારીઓ આજીજી કરી રહ્યા હતા કે રાણેને ધરપકડ કરવા માટે ઉપરથી જોરદાર પ્રેશર છે. પ્રમોદ જાથરે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે જિલ્લા એસપી નારાયણ રાણેની ધરપકડ કરવા આવ્યા હતા. તેમની પાસે વોરન્ટ માગવામાં આવ્યું હતું. આ ઉપરાંત, તેમને એમ પણ કહેવામાં આવ્યું હતું કે નારાયણ રાણે કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી છે. તેમની ધરપકડ માટે કેન્દ્ર સરકારની પરવાનગી જરુરી છે. જોકે, એસપીએ કહ્યું હતું કે રાણેની પાંચ જ મિનિટમાં ધરપકડ કરી લેવા તેમના પર જોરદાર પ્રેશર છે. બીજી તરફ, ધરપકડ બાદ નારાયણ રાણેના બ્લડ પ્રેશર અને શુગરમાં વધારો થતાં સરકારી ડોક્ટર અને એમ્બ્યુલન્સને ધરપકડના સ્થળે મોકલવામાં આવ્યા હતા. રાણેની ધરપકડ કરાઈ ત્યારે તેમના બંને દીકરા નિતેશ રાણે અને નિલેશ રાણે પણ તેમની સાથે જ હાજર હતા. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને હાલ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, ભાજપ નારાયણ રાણેના નિવેદનને ટેકો નથી આપતો, પરંતુ તેમની ગેરકાયદે ધરપકડનો પાર્ટી વિરોધ કરે છે. નારાયણ રાણેના આ નિવેદન પર શિવસેનાના કાર્યકર્તાઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. તેમના વિરુદ્ધ રત્નાગીરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. શિવસૈનિકોએ મહારાષ્ટ્રમાં ઠેરઠેર ભાજપના કાર્યાલયો પર પથ્થરમારો કર્યો હતો. મુંબઈમાં રાણેના જુહુ સ્થિત ઘર સામે શિવસૈનિકોએ ભેગા થઈને જોરદાર હલ્લો કર્યો હતો. ભાજપ અને શિવસેનાના સૈનિકો વચ્ચે આ દરમિયાન મારામારી પણ થઈ હતી. બંને જૂથોએ સામસામે પથ્થરમારો શરુ કરતા પોલીસને સ્થિતિ પર કાબૂ મેળવવા લાઠીચાર્જ કરવો પડ્યો હતો. સમગ્ર વિસ્તારમાં વધારાનો પોલીસ બંદોબસ્ત ખડકી દઈને રસ્તા બંધ કરી દેવામાં આવ્યા હતા. થાણેમાં પણ શિવસૈનિકોએ નારાયણ રાણેને ’મરઘી ચોર’ કહી હાથમાં મરઘા પકડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. નવી મુંબઈમાં પણ વાશીમાં શિવાજી પાર્કમાં શિવસૈનિકોએ રસ્તા રોકો આંદોલન કરી ધરણા કર્યા હતા.