હર્બલ આયુર્વેદિક દવા ગુજરાત યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાઈ : ઇમ્યુરાઈઝ હર્બલ આયુર્વેદિક દવા કોરોના સામે રક્ષણ અને કોરોનાથી બચવાનો શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે
અમદાવાદ,તા.૨૪
કોરોના સંક્રમણ સામે લડવા માટે ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગ દ્વારા તૈયાર કરાયેલી હર્બલ આયુર્વેદિક દવાને ICMR દ્વારા ત્રીજા તબક્કાની મંજૂરી અપાઈ છે. જુદા જુદા તબક્કાના પરીક્ષણ બાદ ઇમ્યુરાઈઝ હર્બલ આયુર્વેદિક દવાને આખરે આઈસીએમઆર દ્વારા ત્રીજા તબક્કાની મંજૂરી આપવામાં આવી છે. ઇમ્યુરાઈઝ હર્બલ આયુર્વેદિક દવા કોરોના સામે રક્ષણ અને કોરોનાથી બચવાનો શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કોરોનાની પ્રથમ લહેર સમયે ઇમ્યુરાઈઝ હર્બલ આયુર્વેદિક દવાનો વપરાશ, કોરોના સામે રક્ષણ મેળવવા માટે શરૂ કરાયો હતો. ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં આવેલી સમરસ હોસ્ટેલ કે જ્યાં કોરોના પોઝિટિવ એસીમટેમેટિક દર્દીઓને ક્વોરન્ટાઇન કરાતા હતા એ દર્દીઓની મંજૂરી લઈને તેમની સાથે મળીને પ્રયોગની શરૂઆત કરાઈ હતી. કોરોના મહામારી સમયે અનેક પોલીસકર્મીઓ, ફ્રન્ટલાઈન વોરિયર્સને પણ ઇમ્યુરાઈઝ દવા આપવામાં આવી હતી. ધન્વંતરી હોસ્પિટલ કે જ્યાં કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવતી હતી. ત્યાં જોડાયેલા નોન – ટીચિંગ સ્ટાફને પણ ઇમ્યુરાઈઝ દવા અપાઈ હતી. આઈસીએમઆરએ ત્રીજા તબક્કાની મંજૂરી આપતા હવે માર્કેટ સુધી આ દવાને પહોંચાડવાની સફર સરળ બની છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ ઇમ્યુરાઈઝ હર્બલ આયુર્વેદિક દવા વિશે વાત કરતા કહ્યું કે ગુજરાત યુનિવર્સિટી કે જે રાજ્યની સૌથી જૂની સરકારી યુનિવર્સિટી છે. તેમાં વૈશ્વિક સ્તરનું સંશોધન થતા અધ્યાપકો અને વિદ્યાર્થીઓ માટે ગર્વની ક્ષણ છે. સરકારી યુનિવર્સિટી હોવાને નાતે સરકારનો સહયોગ અને સંસાધનોની ઉપલબ્ધતાને સફળતાનો શ્રેય જાય છે. ક્લિનિકલ ટ્રાયલ માટે ૨૫૦૦ જેટલા લોકોની સાથે મળીને ઇમ્યુરાઈઝ હર્બલ આયુર્વેદિક દવાનો પ્રયોગ કરાયો હતો. હ્યુમન અને બાયોલોજીકલ એથીકલ કમિટીમાં આ પ્રક્રિયા સ્ક્રીન કરી હતી, આજે ૬ મહિનાના અંતે એક સફળ દવાના સ્વરૂપે લોકો વચ્ચે પહોંચવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની કોઈ દવા હજી સુધી શોધાઈ નથી એવામાં વિવિધ દવાઓનો ઉપયોગ કોરોનાથી રક્ષણ મેળવવા માટે કરાઈ રહ્યો છે. ઇમ્યુરાઈઝ નામની આયુર્વેદિક દવાનો કોરોનાના દર્દીઓ માટે ઉપયોગ સફળ રહેતા હવે આઈસીએમઆરએ ત્રીજા તબક્કાની મંજૂરી આપી છે. ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર ડોકટર રાકેશ રાવલ તથા આયુર્વેદિક ડોક્ટર અક્ષય સેવકની ઇમ્યુરાઈઝ હર્બલ આયુર્વેદિક દવા સફળતા તરફ આગળ વધી રહી છે. ઇમ્યુરાઈઝ નામની દવાનું એનિમલ ટેસ્ટિંગ અનેક મહિનાઓ પહેલા સફળતા સાથે પૂર્ણ કરાયું હતું. ઇમ્યુરાઈઝ હર્બલ આયુર્વેદિક દવાના પ્રયોગથી દર્દીની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. કોરોના એસીમટોમેટિક અને માઈલ્ડ ફીવર હોય તેવા દર્દીઓને દિવસમાં બે ટાઈમ ૪ – ૪ ટેબ્લેટ લેવાની રહે છે. હાલ ટેબ્લેટ ફોર્મમાં ઉપલબ્ધ ઇમ્યુરાઈઝ હર્બલ આયુર્વેદિક દવા સિરફ ફોર્મમાં પણ તૈયાર કરાશે. દર્દીમાં ઘટેલો સીબીસી આ દવાના ઉપયોગથી વધતું હોવાનું સામે આવ્યું છે.