કોરોનાના નવા વેરિયન્ટ્સને લઈ નિષ્ણાતોનો ખુલાસો : સામે આવેલા કોરોનાના સ્ટ્રેન એક સાથે મળીને એક નવો ખતરો ઉભો કરી શકે, તેના પર વેક્સિન કામ નહીં કરી શકે
જ્યૂરિચ,તા.૨૪
કોરોના વાયરસનો ખતરો હજી ટળ્યો નથી અને આ દરમિયાન નિષ્ણાતોએ નવા સુપર સ્ટ્રેનના ખતરાનો ભય વ્યક્ત કર્યો છે. ઇમ્યુનોલોજિસ્ટ્સને ડર છે કે કોવિડ-૨૨ (કોવિડ ૨૨) સુપર સ્ટ્રેન પહેલા કરતા વધુ ઘાતક હશે અને આવનારા સમયમાં તેના કેસો સામે આવી શકે છે. નિષ્ણાતોએ દાવો કર્યો છે કે ’કોવિડ-૨૨’ સ્ટ્રેન ડેલ્ટા વેરિઅન્ટ કરતાં પણ વધુ જીવલેણ હોઈ શકે છે. અત્યાર સુધી, કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ સૌથી ખતરનાક અને સંક્રામક માનવામાં આવે છે, પરંતુ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ’કોવિડ-૨૨’ નામનો નવો વેરિએન્ટ હાલના ઘાતક ડેલ્ટા વેરિએન્ટ કરતાં પણ વધુ ખતરનાક હોઈ શકે છે. કોવિડ-૨૨ નામ અથવા આ શબ્દનો ઉપયોગ સૌપ્રથમ સ્વિટઝરલેન્ડના ઈટીએચ જ્યૂરિચમાં સિસ્ટમ્સ એન્ડ સિન્થેટિક ઈમ્યુનોલોજીના એસોસિએટ પ્રોફેસર સાંઇ રેડ્ડી દ્વારા કરવામાં આવ્યો હતો. એક અહેવાલ મુજબ, સાંઈ રેડ્ડીએ ચેતવણી આપી છે કે વર્ષ ૨૦૨૨ માં કોવિડનું નવું સ્વરૂપ દેખાઈ શકે છે અને તે એક મોટો ખતરો સાબિત થશે. જો કે, તેમણે માત્ર તેના વિશેની આશંકા વ્યક્ત કરી હતી. ઇમ્યુનોલોજિસ્ટ ડોક્ટર સાંઈ રેડ્ડીએ કહ્યું કે હાલમાં સામે આવેલા કોરોનાના સ્ટ્રેન એક સાથે મળીને એક નવો ખતરો ઉભો કરી શકે છે.
ડોક્ટર રેડ્ડીએ આ આશંકા પણ વ્યક્ત કરી હતી કે વેક્સીન પણ તેના પર કામ ન કરી શકે. જર્મન અખબાર બ્લિક સાથે વાત કરતા પ્રોફેસર રેડ્ડીએ ડેલ્ટાને કોવિડ-૨૧ નામ આપ્યું અને કહ્યું કે તે અત્યારે સૌથી સંક્રામક સ્ટ્રેન છે. તેમણે કહ્યું કે જો બીટા અથવા ગામા વેરિઅન્ટ વધુ ચેપી બને અથવા ડેલ્ટા મ્યુટેશન વિકસિત કરે છે, તો આપણે મહામારીનો નવો તબક્કો જોઈ શકીએ છીએ. ડો. રેડ્ડીએ કહ્યું કે આવનારા સમયમાં આ એક મોટી સમસ્યા બની શકે છે. કોવિડ-૨૨, જે આપણે હાલમાં અનુભવી રહ્યા છીએ, તેનાથી પણ વધુ ખરાબ હોઈ શકે છે. તેમણે કહ્યું કે તાજેતરના અભ્યાસના પરિણામો દર્શાવે છે કે ડેલ્ટા વેરિએન્ટનો વાયરલ લોડ ખૂબ ઉંચો છે. આ સાથે, તેમણે એમ પણ કહ્યું કે જો કોઈ વ્યક્તિ, જેને રસી મળી નથી અને તેના સંપર્કમાં આવે છે, તો તે સુપર સ્પ્રેડર બની શકે છે.