તાલિબાનોના અફઘાન પર કબજા બાદની કપરી સ્થિતિ : બંને નેતાઓએ આ દરમિયાન અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ અને બંને દેશના સહયોગને લઈને ચર્ચા કરી
) નવી દિલ્હી,તા.૨૪
અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિને લઈને ભારત અને રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વચ્ચે વાતચીત થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બપોરે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે લગભગ ૪૫ મિનિટ સુધી વાતચીત કરી. જાણકારી અનુસાર, બંને નેતાઓએ આ દરમિયાન અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ અને બંને દેશના સહયોગને લઈને ચર્ચા કરી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથે પણ અફઘાનિસ્તાનના મુદ્દે વાત કરી હતી. આ તમામ દેશ આ સમયે અફઘાનિસ્તાનમાં જારી સંકટ પર નજર રાખી રહ્યા હતા. સાથે જ કાબુલ એરપોર્ટથી જારી રેસ્ક્યુ ઓપરેશનને લઈને પણ તમામ દેશો વચ્ચે સહયોગ જારી છે. ઉલ્લેખનીય છે કે ભારત હજી સતત અફઘાનિસ્તાનને લઈને વેટ એન્ડ વોચની નીતિને અપનાવી રહ્યુ છે. ભારતનુ ફોકસ પોતાના નાગરિકોને બહાર કાઢવાનુ છે. જોકે ભારત સરકારે ૨૬ ઓગસ્ટે અફઘાનિસ્તાનના મુદ્દે તમામ રાજકીય દળ સાથે ચર્ચા કરવા માટે એક બેઠક પણ બોલાવી છે. અફઘાનિસ્તાનમાં હવે તાલિબાની શાસનને એક અઠવાડિયુ થઈ ગયુ છે અને દુનિયાના કેટલાક દેશ સતત પોતાના લોકોને બહાર કાઢવામાં લાગેલા છે. અત્યાર સુધી કોઈ દેશે તાલિબાનને માન્યતા આપવાની વાત કરી નથી. જોકે કેટલાક દેશોએ પ્રતિબંધ લગાવવાના સંકેત જરૂર આપ્યા છે. તાલિબાન દ્વારા સતત દુનિયાને અપીલ કરવામાં આવી રહી છે કે તેમને માન્યતા આપવામાં આવે, સાથે જ તાલિબાને તમામ દેશોને પોતાની એમ્બેસીને ચાલુ રાખવાની અપીલ કરી છે. જોકે મોટાભાગના દેશ પોતાની એમ્બેસીને ખાલી કરી ચૂક્યા છે.