એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ એસ-૪૦૦ ભારતને મળશે

218

રશિયા સાથે ભારતે તાજેતરમાં જ સોદો કર્યો હતો : વિમાનો અને મિસાઈલોને હવામાં તોડી પાડવા આ મિસાઈલો સક્ષમ, ભારતીય સેનાને તાલીમ અપાઈ
નવી દિલ્હી,તા.૨૪
ભારતને આ વર્ષના અંત સુધીમાં અત્યંત ઘાતક એવી રશિયન એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ એસ-૪૦૦ની ડિલિવરી આપવાનુ શરૂ કરી દેવાશે. આ સિસ્ટમ બનાવનાર કંપની અલમાઝ આંતેના પ્રમુખે ઉપરોક્ત જાણકારી આપી હતી. દુશ્મન દેશોના વિમાનો અને મિસાઈલોને હવામાં તોડી પાડવા માટે ભારતે રશિયા સાથે આ સિસ્ટમનો સોદો તાજેતરમાં કર્યો હતો. કંપનીના અધિકારીઓએ કહ્યુ હતુ કે, ભારતે તેની પહેલી ખેપ આ વર્ષના અંત સુધીમાં અમારી કંપની દ્વારા પૂરી પાડવામાં આવશે. હાલમાં આ સિસ્ટમને ઓપરેટ કરવા માટે ભારતીય સેનાના અધિકારીઓને તાલીમ આપવામાં આવી રહી છે. આ અધિકારીઓની પહેલી બેચની તાલીમ પૂરી થઈ ગઈ છે અને બીજી બેચની ટ્રેનિંગ હાલમાં ચાલી રહી છે. અધિકારીઓની સંખ્યા તો હું નહીં કહી શકું પણ ટ્રેનિંગ દરમિયાન તેમનુ પ્રદર્શન અત્યંત ઉચ્ચ સ્તરનુ રહ્યુ છે. મને ભારતીય લશ્કરી અધિકારીઓની બીજી બેચથી પણ આવી જ આશા છે. તેઓ બહુ જ કાબેલ ઓફિસરો છે. તેમણે તો એટલે સુધી કહ્યુ હતુ કે, ટ્રેનિંગ દરમિયાન ભારતીય ઓફિસરોએ જે પ્રકારનુ કૌશલ્ય દાખવ્યુ છે તે જોતા એવુ લાગે છે કે, ભારતની સેના દુનિયાની સૌથી શ્રેષ્ઠ સેનાઓ પૈકીની એક છે. જો ભારતને જરૂર પડશે તો અમે વધારે અધિકારીઓને તાલીમ આપવા માટે પણ તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, એસ-૪૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમથી અમેરિકા પણ વિચલિત છે. કારણકે આ મિસાઈલ સિસ્ટમ દુશ્મન લડાકુ વિમાનોને ગમે તે પ્રકારના સંજોગોમાં પણ નિશાન બનાવવા માટે સક્ષમ છે. એટલે સુધી કે અમેરિકાના સૌથી અત્યાધુનિક એફ-૩૫ વિમાન પણ તેનાથી બચી શકે તેમ નથી તેવો દાવો રશિયન કંપનીનો છે. એસ-૪૦૦ સિસ્ટમથી વાયુસેનાની તાકાતમાં વધારો થશે. ૨૦૧૮માં ભારતે રશિયા સાથે આવી પાંચ સિસ્ટમ ખરીદવાનો કરાર કર્યો હતો. આ માટે ભારત ૩૩૦૦૦ કરોડ રૂપિયા ચુકવવાનુ છે. આ સિસ્ટમ દુશ્મન દેશોના ન્યુક્લિયર મિસાઈલ્સનો પણ હવામાં જ ખાત્મ બોલાવી દેવા માટેની ક્ષમતા ધરાવે છે. આ સિસ્ટમ એક સાથે ૭૨ મિસાઈલ્સને લોન્ચ કરી શકે છે. તેની હેરફેર કરવી પણ આસાન છે. કારણકે તેને ટ્રક પર તૈનાત કરવામાં આવી છે. એસ-૪૦૦ સિસ્ટમ માઈનસ ૫૦ ડિગ્રીથી માઈનસ ૭૦ ડિગ્રી સુધીના તાપમાનમાં કામ કરવા માટે સક્ષમ છે. આ મિસાઈલને નષ્ટ કરવી દુશ્મન માટે બહુ મુશ્કેલ કામ છે. સિસ્ટમમાં ચાર પ્રકારની મિસાઈલ્સ હોય છે.જેની રેન્જ ૪૦ કિમીથી લઈને ૪૦૦ કિમી સુધીની હોય છે. તે ૪૦૦૦૦ ફૂટ ઉંચાઈ પર ઉડી રહેલા ટાર્ગેટને પણ ખતમ કરવા માટે સામર્થ્ય ધરાવે છે. તેના રડાર બહુ અત્યાધુનિક અને તાકાતવર છે. જે દુશ્મન વિમાન કે મિસાઈલ્સને તરત જ લોકેટ કરી શકે છે. તેના રડાર ૬૦૦ કિમીની રેન્જમાં એક સાથે ૩૦૦ ટાર્ગેટ ટ્રેક કરી શકે છે. રશિયા ૧૯૬૭થી આ પ્રકારની સિસ્ટમ વાપરે છે. સૌથી પહેલા એસ-૨૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ રશિયાએ તૈયાર કરી હતી. એ પછી ૧૯૭૮માં એસ-૩૦૦ સિસ્ટમ અને ૨૦૦૭માં એસ-૪૦૦ સિસ્ટમ તૈયાર કરવામાં આવી હતી. ભારતના કટ્ટર હરિફ ચીનને એસ-૪૦૦ સિસ્ટમ રશિયા ૨૦૧૪માં જ વેચી ચુકયુ છે. તુર્કીએ પણ આ ડિફેન્સ સિસ્ટમ ખરીદી છે. જેની ડિલિવરી ૧૨૦૧૯માં તુર્કીને કરવામાં આવી હતી. એસ-૪૦૦ સિસ્ટમની ડિલિવરી તબક્કાવાર ૨૦૨૪ સુધીમાં પૂરી કરવામાં આવશે.

Previous articleલોકોને બચાવવા અફઘાન ગયેલું યુક્રેનનું વિમાન હાઈજેક
Next articleઓછા વરસાદના કારણે ગુજરાત અને રાજસ્થાનમાં દુષ્કાળની શક્યતા