ધો.-૬થી ૮ના ઓફલાઈન વર્ગો ૨ સપ્ટેમ્બરથી શરૂ

255

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત : ૩૨ લાખથી વધુ વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય શરૂ થશે, જોકે, વિદ્યાર્થીઓએ શાળાએ આવવું ફરજિયાત નથી
ગાંધીનગર,તા.૨૫
ગુજરાતમાં કોરોના વાયરસની અસર ધીમી પડતા રાજ્ય સરકાર દ્વારા એક મહત્તવનો નિર્ણય લેવાયો છે. આજે કેબિનેટની બેઠક મળી હતી. જે બાદ રાજ્યનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્તવની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં ૬થી ૮ ધોરણનું ૨ સપ્ટેમ્બરથી ઓફલાઇન શિક્ષણ શરૂ થશે. આ સાથે ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ જ રહેશે. નોંધનીય છે કે, ૩૨ લાખથી વધુ વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય શરૂ થશે. જોકે, વિદ્યાર્થીઓએ શાળાએ આવવું ફરજિયાત નથી. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્ત્વની જાહેરાત કરતા જણાવ્યું હતુ કે, રાજયમાં ૨જી સપ્ટેમ્બરથી શાળાના વર્ગો શરૂ કરવામાં આવશે. જેમાં ૫૦ ટકાની સંખ્યા સાથે વર્ગો શરૂ કરવા અંગે મંજૂરી આપી દેવાઇ છે. આ સાથે ૯થી ૧૨ના વર્ગો ચાલે છે તે પ્રમાણે, સોશિયલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્કના નિયમો પણ પાળવાના રહેશે. સંસ્થાએ હેન્ડ વોશ અને સેનેટાઇઝરની વ્યવસ્થા પૂરી પાડવાની રહેશે. ઓફલાઇન સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહેશે. સરકાર તરફથી સૂચનાઓનોનું સરકારી અને ખાનગી શાળાઓએ પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત શિક્ષણમંત્રીએ જણાવ્યું છે કે, શિક્ષક સર્વેક્ષણમાં જેટલા શિક્ષકોએ ભાગ લીધો તે બદલ શિક્ષણપ્રધાને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે આ સર્વેક્ષણમાં ૩૮ ટકા શિક્ષકો હાજર રહ્યા હતા. નોંધનીય છે કે, કોરોના મહામારીના કારણે છેલ્લા દોઢ વર્ષથી પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને કોલેજો બંધ હતી. કોરોનાની પહેલી લહેર મંદ પડતા થોડા દિવસ માટે શાળાના વર્ગો શરૂ થયા હતા. પરંતુ થોડા સમયમાં ફરીથી આ ઓફલાઇન વર્ગોને બંધ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ, હવે કોરોનાની બીજી લહેર મંદ પડતા ફરી શાળાના વર્ગો ઓફલાઇન શરૂ કરવા અંગે રાજય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જન્માષ્ટમી અને ગણેશોત્સવના આગામી તહેવારોની ઉજવણી લોકો કરી શકે તે હેતુસર મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. સરકારે જણાવ્યા પ્રમાણે, તારીખ ૩૦ ઓગસ્ટને સોમવારે જન્માષ્ટમી સમયે રાત્રે ૧૨ કલાકે કૃષ્ણ જન્મોત્સવ ઉજવી શકાય તે માટે જે ૮ મહાનગરોમાં રાત્રી કર્ફ્‌યૂ અમલમાં છે તે મહાનગરોમાં ૩૦ ઓગસ્ટના રોજ એક દિવસ પૂરતો રાત્રી કર્ફ્‌યૂ રાત્રીના ૧ વાગ્યાથી અમલી કરાશે. મંદિર પરિસરમાં એક સમયે એક સાથે વધુમાં વધુ ૨૦૦ લોકોને દર્શન માટે છૂટ આપવામાં આવી છે. મંદિરોમાં દર્શન માટે આવનારા બધાએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ગાઇડલાઇન્સ એસઓપીનું પાલન ફરજિયાત પણે કરવાનું રહેશે.

Previous articleરવિન્દ્ર જાડેજા છેલ્લી ૨ ટેસ્ટમાં એક પણ વિકેટ ન લઈ શક્યો
Next article૫ લાખ વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી સરકારીમાં ગયા