અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર બનાવવાની તૈયારીમાં : કેનેડાએ કહ્યું તાલિબાન આતંકી સંગઠન છે અને તેને માન્યતા મળવી જોઈએ નહીં, પ્લાન અનુસાર ફસાયેલા લોકોને બહાર કાઢવાને પ્રાથમિકતા
નવી દિલ્હી,તા.૨૫
કાબુલમાં તાલિબાન પોતાની નવી સરકારની જાહેરાત કરવાના ફાઈનલ રાઉન્ડમાં છે. બીજી બાજુ અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજાને લઈને મંગળવારે જી-૭ દેશોની મહત્વની બેઠક થઈ. આ બેઠકમાં ૫ મુદ્દાનો પ્લાન પણ તૈયાર કરાયો. બીજી બાજુ તાલિબાને ૩૧ ઓગસ્ટ સુધી વિદેશી સેનાઓને અફઘાનિસ્તાન છોડવાની ચીમકી પણ આપી દીધી છે. જી-૭ બેઠકમાં પાંચ મુદ્દાના પ્લાનનો પહેલો પોઈન્ટ છે અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા. બીજો પોઈન્ટ છે આતંકનો ભોગ બનેલા લોકોની મદદ કરવી. ત્રીજો પોઈન્ટ છે માનવતાના આધારે અફઘાન લોકોની મદદ કરવી. ચોથો પોઈન્ટ છે અફઘાનિસ્તાનના લોકોની કાનૂની રૂટથી સુરક્ષિત જગ્યાએ પહોંચાડવા. અને પાંચમો પોઈન્ટ છે અફઘાનિસ્તાનમાં નવી સરકાર સાથે ડીલ કરવાની સ્પષ્ટ નીતિ બનાવવી. તાલિબાને ૩૧ ઓગસ્ટ સુધીમાં વિદેશી સેનાઓને અફઘાનિસ્તાન છોડવા જણાવી દીધુ છે. આ નિવેદનને તાલિબાનની વોર્નિંગ તરીકે જોવામાં આવી રહ્યું છે. મંગળવારનો દિવસ અફઘાનિસ્તાન માટે ખુબ મહત્વનો રહ્યો. મંગળવારે તાલિબાનનું ગનતંત્ર, તાલિબાની રાષ્ટ્રપતિની રેસ અને જી-૭માં મંથન એટલે કે પહેલું તો એ કે અફઘાનિસ્તાન પર તાલિબાનો કસાતો સકંજો, બીજુ, અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારના મુખિયાને લઈને ચાલી રહેલો બેઠકનો અંતિમ દોર, ત્રીજુ અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજને લઈને જી-૭ની ઈમરજન્સી બેઠક. જો કે તાલિબાનની વોર્નિંગ પર દુનિયાનું જે રિએક્શન આવ્યું છે અને કાબુલથી જે તસવીરો પણ સામે આવી છે તે જોતા સ્પષ્ટ છે કે ૩૧ ઓગસ્ટ બાદ પણ અફઘાનિસ્તાનમાં નાટો સેના હાજર રહેશે. આ બધા વચ્ચે કાબુલમાં તાલિબાનના ટોપ લીડર મુલ્લા બરાદર સાથે અમેરિકી ગુપ્તચર એજન્સી સીઆઈએના ડાયરેક્ટરની મુલાકાત થઈ. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ બાઈડેન પ્રશાસન અને તાલિબાન વચ્ચે આ પહેલી ટોપ લેવલની બેઠક છે. રણનીતિ હેઠળ સીઆઈએ ડાયરેક્ટર વિલિયમ બર્ન્સ અને મુલ્લા બરાદર સાથેની મુલાકાતને ગુપ્ત રાખવામાં આવી. અહીં ખાસ એ જોવાનું કે સીઆઈએએ જ ૨૦૧૦માં જાસૂસી કરીને પાકિસ્તાનમાં મુલ્લા બરાદરની ધરપકડ કરાવી હતી. આજે એ જ બરાદર સાથે સીઆઈએના ચીફ બેઠક કરી રહ્યા છે. આ બાજુ જી-૭ની વાત કરીએ તો દુનિયાની સાત મોટી શક્તિઓ એટલે કે યુકે, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન અને અમેરિકાએ અફઘાનિસ્તાન પર બેઠક યોજી. જી-૭માં આમ તો આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થા, આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને ઉર્જા નીતિ જેવા મુદ્દાઓ પર ચર્ચા થાય છે. આ વખતે અફઘાનિસ્તાનના હાલાત પર બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સને ઈમરજન્સી બેઠક બોલાવી. બેઠક પહેલા બોરિસે ટિ્વટર પર જાહેરાત કરતા કહ્યું હતું કે આજે હું અફઘાનિસ્તાનમાં સંકટ પર એક ઈમરજન્સી જી-૭ બેઠક આયોજિત કરીશ. બ્રિટન આ વર્ષે જી-૭ દેશોની અધ્યક્ષતા કરી રહ્યું છે. આ બધા વચ્ચે કેનેડા તાલિબાનને લઈને એકદમ ક્લિયર છે. કેનેડાએ સ્પષ્ટ કરી દીધુ છે કે તાલિબાન એક આતંકી સંગઠન છે અને તેને માન્યતા મળવી જોઈએ નહીં. જ્યારે ફ્રાન્સે ૩૧ ઓગસ્ટ બાદ પણ અફઘાનિસ્તાનમાં પોતાના સૈન્યની હાજરીની વાત કરી છે. બ્રિટન વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં છે. અમેરિકા તાલિબાન સાથે વાર્તાના પક્ષમાં છે. જ્યારે જર્મની અને ઈટાલીનું સ્ટેન્ડ ન્યૂટ્રલ છે.