હાઈકોર્ટો દ્વારા કેસો પર રોક લગાવાઈ છે તો તપાસ એજન્સી રોક હટાવવા માટે કેમ માગણી કરી રહી નથી
નવી દિલ્હી,તા.૨૫
સાંસદો અને ધારાસભ્યો સામેના ગુનાહિત મામલાઓનો વહેલી તકે ઉકેલ લાવાની માંગણી પરની પિટિશન પરની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન વી રમણાએ પેન્ડિંગ કેસને લઈને કહ્યુ હતુ કે, હાઈકોર્ટો દ્વારા મોટાભાગના મામલાઓ પર રોક લગાવીને રાખવામાં આવી છે તો તપાસ એજન્સીઓ કેમ આ રોક હટાવવા માટે માંગણી કરી રહી નથી. તેમણે કહ્યુ હતુ કે, સાંસદો અને ધારાસભ્યો સામેના પેન્ડિંગ કેસોમાં ૧૦ થી ૧૫ વર્ષ સુધી ચાર્જશીટ દાખલ નહીં કરવા માટે કોઈ કારણ નથી. માત્ર પ્રોપર્ટી એટેચ કરવાથી કશું નહી થાય. કેસો પેન્ડિંગ રાખવા માટે પણ કોઈ કારણ દેખાતુ નથી. કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે, પેન્ડિંગ કેસની તપાસ પૂરી કરવા માટે સુપ્રીમ કોર્ટ તપાસ એજન્સીઓ માટે સમયની મર્યાદા નક્કી કરે. જેના પર ચીફ જસ્ટિસે કહ્યુ હતુ કે, અમે પહેલા જ હાઈકોર્ટને એક સમિતિ બનાવવાનો આદેશ આપી ચુકયા છે. તપાસ એજન્સીઓ તપાસ પૂરી કરી શકે છે. દરમિયાન પિટિશન કરનાર વકીલ વિકાસ સિંહે કહ્યુ હતુ કે, જો કોઈનેતા ગંભીર અપરાધમાં દોષી કરાર થાય તો તેના પર ૬ વર્ષ માટે ચૂંટણી લડવાનો પ્રતિબંધ લગાવવો જોઈે.આ મુદ્દા પર કોર્ટે વિચારવાની જરૂર છે.ત્યારે ચીફ જસ્ટિસે કહ્યુ હતુ કે, આજીવન પ્રતિબંધ મુકવા પર સંસદે ધ્યાન આપવાની જરૂર છે.કોર્ટને નહીં. બીજી તરફ એમિકસ ક્યુરી અને સિનિયર વકીલ વિજય હંસારિયાએ કહ્યુ હતુ કે, આઈપીસી ૨૦૯ હેઠળ પેન્ડિંગ કેસની સુનાવણી ઝડપથી થાય તે માટે સૂચના આપવાની જરૂર છે. હાલમાં ૫૧ સાંસદો અને પૂર્વ સાંસદો સામે મની લોન્ડરિંગના કેસ નોંધાયેલા છે. માટે તમામ હાઈકોર્ટને સૂચના આપવામાં આવે કે, સાંસદો અને ધારાસભ્યો સામેના પેન્ડિંગ કેસને પ્રાથમિકતા આપીને ઝડપથી પૂરા કરવામાં આવે.