સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી તેમની પાસેથી ૧૨ કરોડ રૂપિયાના બિટકોઈન પડાવી લેવાના ષડયંત્રના રાજયભરમાં ભારે ચકચાર જગાવનાર કેસમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા આજે અમરેલીના એસપી જગદીશ પટેલની ધરપકડ કરવામાં આવતાં રાજયના પોલીસબેડામાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. બિટકોઇન કેસમાં પડદા પાછળના મુખ્ય સૂત્રધાર પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા અને અન્ય એક કિરીટ પાલડિયાનું નામ ખૂલતાં હવે આગામી દિવસોમાં આ બંને પર પણ પોલીસનો ગાળિયો કસાય તેવી પૂરી શકયતા છે. સીઆઇડી ક્રાઇમ દ્વારા બિટકોઇન કેસમાં ગઇ મોડી રાત્રે જ અમરેલી એસપી જગદીશ પટેલની તેમના નિવાસસ્થાને જ અટકાયત કરી લેવામાં આવી હતી અને તેમને ગાંધીનગર લાવવામાં આવ્યા હતા, જયાં તેમની પૂછપરછ હાત ધરાઇ હતી. એસપી જગદીશ પટેલની અટકાયત કરાતાં અમરેલી જિલ્લાનો ચાર્જ હાલ બી.એમ. દેસાઇને સોંપવામાં આવ્યો છે. આ સાથે જ ચકચારભર્યા બિટકોઇન કેસમાં અત્યારસુધી અમરેલી પીઆઇ અનંત પટેલ સહિત ચાર આરોપીઓની ધરપકડ થઇ ચૂકી છે, જેમાં આજે સૌથી ઉચ્ચ પોલીસ અધિકારી એવા એસપી જગદીશ પટેલ પણ સાણસામાં આવ્યા હતા. એક બનાવટી ફરિયાદ પર સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટની અમરેલી પોલીસે ધરપકડ કરી હતી અને તેમને ગાંધીનગર નજીકના એક ફાર્મહાઉસમાં ગોંધી રાખી તેમની પાસેથી ૧૨ કરોડ રૂપિયાના બિટકોઈન પડાવી લેવામાં આવ્યા હતા. આ અંગે ભટ્ટે છેક પીએમઓ સુધી ફરિયાદ કરતા ગુજરાતની પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. દરમ્યાન આ કેસમાં આજે બિલ્ડર શૈલેષ ભટ્ટે ફરી એકવાર મીડિયા સામે આવી ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, આ સમગ્ર પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર તો પૂર્વ ધારાસભ્ય નલિનકોટડિયા અને તેમના પાર્ટનર કિરીટ પાલડિયા છે, જેમના ઇશારે બિટકોઇન કેસના સમગ્ર ષડયંત્રને અંજામ આપવામાં આવ્યો હતો. તેમની પાસેથી ધમકાવીને ૨૦૦ બિટકોઇન પડાવી લેવામાં આવ્યા હતા અને રૂ.૩૨ કરોડનો પણ હવાલો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો પરંતુ એ રાત્રે જ પાછળથી તે કેન્સલ કરવામાં આવ્યો હતો.બીજીબાજુ, બિટકોઇન પ્રકરણમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા, તેમના ભત્રીજા સંજય કોટડિયા અને કિરીટ પાલડિયાનું નામ પણ સામે આવતાં હવે આગામી દિવસોમાં તેમની પર પણ ગાળિયો કસાય તેવી પૂરી શકયતા છે. બીજીબાજુ, સીઆઇડી ક્રાઇમના તપાસનીશ અધિકારીઓએ જણાવ્યું હતુ કે, આ કેસમાં પીઆઇ અનંત પટેલની ધરપકડ બાદ કેટલાક મહત્વના અને ચોંકાવનારા ખુલાસા થયા છે, જેમાં અનંત પટેલે કબૂલ્યું હતું કે, તેમણે અમરેલી એસપી જગદીશ પટેલના ઇશારે કામ કર્યું હતું. હવે એસપી જગદીશ પટેલની પૂછપરછના આધારે સીઆઇડી ક્રાઇમના અધિકારીઓ આ કેસમાં ખૂટતી કડીઓ જોડી રહ્યા છે. આગામી દિવસોમાં આ પ્રકરણમાં હજુ વધુ ધરપકડો થવાની પણ પૂરી સંભાવનાઓ પ્રવર્તી રહી છે.