કેન્દ્ર સરકારની શ્રમિકો માટેની વેબસાઈટ ’ઈ-શ્રમ’ માં નોંધણી અંગેનું માર્ગદર્શન અને સમજ અપાઇ
કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ અંતર્ગત અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની નોંધણી સંદર્ભે ભાવનગરના જિલ્લા સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે ’ઈ-શ્રમ’ માં નોંધણી અને તેના દ્વારા થતા ફાયદા અંગે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ઇશ્વરીયા ગામે જન સુવિધા કેન્દ્રના સંકલન સાથે ડિજિટલ ગામ અન્વયે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની નોંધણી સંદર્ભે રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ અને ’ઈ-શ્રમ’ અનુસંધાને જિલ્લા કક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જન સુવિધા કેન્દ્રના રાજ્ય વડા જયેશભાઈ ભાનુશાળી, વિશાલભાઈ નાગર તથા પંકજભાઈ પટેલ દ્વારા આ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત તજજ્ઞો દ્વારા ’ઈ-શ્રમ વેબસાઇટ પર અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની નોંધણી કરાવવાથી આકસ્મિક રીતે મૃત્યુ થતા રૂ. બે લાખની સહાય અને આકસ્મિક અપંગતા આવે તો રૂ. એક લાખની મદદ આ યોજના હેઠળ આપવામાં આવે છે તેની સમજ આપવામાં આવી હતી.
આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા અસંગઠિત શ્રમિકોની કલ્યાણકારી યોજના વિશેની માહિતી પણ આપવામાં આવી હતી. ’ઈ-શ્રમ’ અંગેના આ સેમિનારને સફળ બનાવવા માટે ભાવનગર જિલ્લાના વડા વિરમદેવસિંહ ગોહિલ, કૃષ્ણકુમારસિંહ ગોહિલ સાથે નિલેશભાઈ ગઢવાણાએ જહેમત ઉઠાવી હતી. જન સુવિધા કેન્દ્ર, સિહોર તાલુકા સંયોજકશ્રી ઋત્વિજ પંડિત અને સાથીઓ દ્વારા જરૂરી આયોજન અને વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સિહોર તાલુકા અને તેની આજુબાજુના ગામોના ઘણાં બધાં અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોએ માહિતી અને માર્ગદર્શન મેળવ્યું હતું.