કલોલ તાલુકાના પલોડિયા ગામે પડતર પ્લોટમાં લીમડાના ઝાડ નીચેથી યુવક અને યુવતીના મૃતદેહ મળી આવતા કલોલ તાલુકા પોલીસ હરકતમાં આવી ગઇ હતી. પ્રાથમિક તપાસના અંતે પોલીસે જણાવ્યું કે પલોડિયા ગામના નિવાસી પરિણીત યુવાન અને પરપ્રાંતથી રોજગારી રળવા આવેલા પરિવારની સગીરવયની બાળા વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. પરંતુ સામાજીક બંધનોના કારણે મિલન શક્ય નહીં બનવાના ડરથી બન્નેએ આત્મ હત્યા કરી લીધી હતી.
ઇન્સપેક્ટર આર બી રાણાએ જણાવ્યા પ્રમાણે પલોડિયા ગામના રહેવાસી કિશન બુધાજી નામના ૨૨ વર્ષના ઠાકોર યુવાન અને રાંચરડા ગામે રહેતા પરપ્રાંતિ પરિવારની ૧૫ વર્ષિય દિકરી મોહિની રામભરોશે દોહરેના મૃતદેહ પલોડિયા ગામે ખ્યાતિ ફઆન્ડેશનની સામે આવેલા પડતર પ્લોટમાંથી મળી આવ્યા હતાં. આ પ્રેમી યુગલે લીમડાના ઝાડની ડાળી સાથે દુપટ્ટા બાંધીને ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.
તપાસ દરમિયાન જાણાવા મળ્યુ હતું કે મૃતક યુવાન અને સગીરબાળા ગત તારીખ ૨૦મીથી લાપતા બની ગયા હતાં અને સોમવારે તેમના મૃતદેહ મળી આવ્યા હતાં. બન્નેના મૃતદેહનો કબ્જો સંભાળીને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતાં. પ્રાથમિક દષ્ટીએ આ બનાવ આપઘાતનો જ જણા રહ્યો છે, પરંતુ પોલીસ દ્વારા જીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
યુવક અને સગીર બાળાએ ફાંસો ખાઇ લીધાના પગલે તેમના મોત થયા હતાં. પરંતુ ત્યાર બાદ બન્નેના વજનના કારણે લીમડાના ઝાડની ડાળી તૂટી જતા તેમના મૃતદેહ પણ નીચે પટકાયા હતાં.