ન્યુ દિલ્હી, તા.૨૭
ભારતના સ્પોર્ટ્સમાં કેટલીક વસ્તુઓ બદલવાની જરૂર છે. ડાયમંડ લીગમાં દુનિયાભરના ઓલિમ્પિક ચેમ્પિયન ભાગ લઈ રહ્યા છે. તેની સીઝન અત્યારે ચાલુ છે. આપણે વૈશ્વિક સ્તરે પણ વિચારવાની જરૂર છે. ડાયમંડ લીગ જેવી વૈશ્વિક ઇવેન્ટમાં પ્રદર્શન કરીને જ તમે તમારા પ્રદર્શનને સુધારી શકશોભારતના ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાએ દેશના લોકો અને ભારતીય ઓલિમ્પિક સંઘને વિવિધ કાર્યક્રમોને આરામથી આયોજિત કરવા અપીલ કરી છે. હકીકતમાં, જ્યારથી તે ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીત્યા પછી પરત ફર્યો છે, ત્યારથી તેને વિવિધ ઇવેન્ટ્સમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. જેના કારણે, તે વિદેશમાં યોજાનારી ભાલા ફેંકની ડાયમંડ લીગ ઇવેન્ટમાં ભાગ લઇ શક્યો નહીં. નીરજે આ અંગે નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે માત્ર ૧ ગોલ્ડ મેડલથી સંતુષ્ટ ન થાઓ. નીરજને ટોક્યો ઓલિમ્પિકમાંથી દેશ પરત આવ્યાને ૧૬ દિવસ થઈ ગયા છે, પરંતુ તે હજુ સુધી પ્રેક્ટિસ કરી શક્યો નથી. તેણે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને કહ્યું કે એટેન્શન મળવું બરાબર છે, પરંતુ આ મહિનાના અંતમાં ડાયમંડ લીગ સ્પર્ધા હતી. મેં તેમાં ભાગ લેવાનું વિચાર્યું હતું, પરંતુ વિવિધ કાર્યક્રમોના આમંત્રણોને કારણે મારી તાલીમ પૂરી થઈ શકી નહીં. હવે મને લાગે છે કે મારી ફિટનેસ ખોરવાઈ ગઈ છે અને હું પરફેક્શનથી દૂર છું. હું યોગ્ય રીતે રમી શકતો નથી. તેથી મારે ડાયમંડ લીગ છોડવી પડી. મેં આ વર્ષે ૨થી ૩ ઇવેન્ટ્સમાં ભાગ લેવાનું વિચાર્યું હતું. તેવામાં હવે એવું ન થવું જોઈએ કે મેડલ આવી ગયો છે તો બધા પ્રોગ્રામનું એક જ સમયે આયોજન કરો અને પછી એક મહિના પછી સંપૂર્ણપણે શાંત થઈ જાઓ.