ડિજિટલ કરન્સીની રાહ જોનારા માટે સારા સમાચાર : પ્રયોગ સફળ રહેશે તો તેને વિશાળ સ્તરે લોન્ચ કરાશે, વધારે તકેદારી સાથે આ બાબતે ઊતાવળ નહીં કરાય
નવી દિલ્હી, તા.૨૮
ડિજિટલ કરન્સીની રાહ જોઈ રહેલા લોકો માટે એક સારા સમાચાર છે. હકીકતે રિઝર્વ બેંક ભારતમાં ડિસેમ્બર સુધીમાં પોતાની ડિજિટલ કરન્સી લોન્ચ કરી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શશિકાંત દાસે જણાવ્યું કે, ડિસેમ્બરમાં ટ્રાયલ તરીકે ડિજિટલ કરન્સી લાવવામાં આવશે. જો તે પ્રયોગ સફળ રહેશે તો તેને વિશાળ સ્તરે લોન્ચ કરવામાં આવી શકે છે. વધુમાં તેઓ આ મામલે ઉતાવળ કરવા નથી માંગતા માટે જ કેન્દ્રીય બેંક ડિજિટલ કરન્સીને લઈ વધારે સાવધાની વર્તી રહી છે તેમ જણાવ્યું હતું. ક્રિપ્ટો કરન્સીની વધી રહેલી લોકપ્રિયતા વચ્ચે કેન્દ્રીય બેંકનું આ નિવેદન વધુ મહત્વપૂર્ણ બની ગયું છે. સુપ્રીમ કોર્ટ અગાઉ જ ૨૦૧૮ના એક સર્ક્યુલરને નકારી ચુકી છે જેમાં આરબીઆઈએ ક્રિપ્ટો કરન્સી અને બિટકોઈનના માધ્યમથી કોઈ વ્યક્તિ અને સંસ્થાને સુવિધા ઉપલબ્ધ કરાવનારી બેંકને પ્રતિબંધિત કરવાની જોગવાઈ કરી હતી. ગત મહિને રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર ટી. રવિશંકર પણ આ અંગે ઈશારો કરી ચુક્યા છે કે, ભારત ટૂંક સમયમાં જ પોતાની ડિજિટલ કરન્સી લોન્ચ કરી શકે છે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, બેંક આ અંગે કોઈ જ ઉતાવળ કરવા નથી માંગતી. માટે તે તમામ પાસાઓની તપાસ કર્યા બાદ જ ડિજિટલ કરન્સીને બજારમાં ઉતારશે. તેમણે જણાવ્યું હતું કે, આ મુદ્રાનો ઉપયોગ કાગળની મુદ્રાની જેમ આદાન-પ્રદાન કરવા થઈ શકશે. આ તરફ ચીને પહેલેથી જ ડિજિટલ મુદ્રાનો ઉપયોગ શરૂ કરી દીધો છે.