ત્રીજી લહેર વચ્ચે કેરળમાં સૌથી વધુ કેસો સામે આવતા ચિંતા

156

ન્યુ દિલ્હી, તા.૨૮
દેશમાં કોરોનાની ત્રીજી લહેરની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે કેરળ દેશ માટે કોરોનાની ત્રીજી લહેરનું એપી સેન્ટર બનશે કે કેમ તે અંગે તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે. દેશમાં જ્યારે રાજ્યોએ પોતાને ત્યાં અનલોક કરી ચુક્યા છે, લોકો એક પ્રદેશમાંથી અન્ય પ્રદેશમાં અવર-જવર કરી રહ્યા છે ત્યારે કેરળની આ સ્થિતિ ચોક્કસપણે કોરોના વાઈરસને ફેલાવા માટે ઉત્તમ માહોલનું સર્જન કરી શકે છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણના મતે કેરળમાં જે રીતે કેસ વધી રહ્યા છે તે ચોક્કસપણે ચિંતાજનક છે. કેસ આટલા ઝડપથી શા માટે વધી રહ્યા છે તે અંગે નક્કર માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. વધી રહેલા કેસને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર તરફથી મોકલવામાં આવેલી ટીમે હોમ ક્વોરેન્ટીન યોજનાને નિષ્ફળ ગણાવતા કહ્યું હતું કે રાજ્યમાં કોરોનાની સ્થિતિ હવે નિયંત્રણ બહાર છે. તપાસ ટીમના અહેવાલ પ્રમાણે કોરોના વિસ્ફોટ થવા પાછળ એક મોટું કારણ દર્દીઓનું મોટી સંખ્યામાં હોમ આઈસોલેશનમાં હોવાનું ગણાવાયું છે, જે અન્ય તંદુરસ્ત લોકોને અસર કરે છે. ગયા વર્ષે કોરોનાની પ્રથમ લહેર સમયે સંક્રમણને નિયંત્રણમાં રાખવા બદલ સમગ્ર દેશ માટે કેરળ રોલ મોડલ બન્યું હતુ. કોરોનાના સંક્રમણને અંકુશમાં રાખવા બદલ કેરળની ચોતરફ પ્રશંસા થઈ હતી, પણ હવે સ્થિતિ તદ્દન વિપરીત થઈ ગઈ છે. વર્તમાન સમયમાં દેશના મોટા ભાગનાં રાજ્યોમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી છે ત્યારે કેરળમાંથી કોરોનાના આવી રહેલા આંકડા ખૂબ જ ચિંતાજનક બની ગયા છે. દેશમાં કોરોનાની ત્રીજી લહેરનું એપી સેન્ટર પણ શું કેરળ બનશે કે કેમ એ અંગે નિષ્ણાતો સંશોધન કરી રહ્યા છે. કોરોનાના કેસ ૩૨ હજારથી વધારે નોંધાયા છે. સૌથી વધારે ચિંતાજનક વાત એ છે કે અહીં પોઝિટિવિટી રેટ વધીને ૧૯.૨૨ થઈ ગયો છે. દેશમાં જ્યારે કોરોનાની બીજી લહેર ૨૦ મેના રોજ તેની ચરમસીમાએ હતી. ત્યાર બાદ પ્રથમ વખત પોઝિટિવિટી રેટ આટલો ઊચો રહ્યો છે. કોરોનાના ભયજનક આંકડાને પગલે છેવટે રાજ્ય સરકારે રવિવારે સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે. કેરળમાં સતત વધી રહેલા કોરોનાના આંકડા અનેક પ્રશ્નો ઊભા કરી રહ્યા છે. પહેલો પ્રશ્ન એ થાય છે કે શું કોરોના સામેની લડાઈમાં કેરળ મોડલ નિષ્ફળ નીવડ્યું છે? બીજો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જ્યારે દેશનાં અનેક રાજ્યોમાં કોરોના નહીંવત થઈ ગયો છે ત્યારે જોતજોતાંમાં કેરળ કોરોનાનું હોટસ્પોટ કેવી રીતે બની ગયું. દેશભરમાં રોપોનાના ૩૫ હજારથી વધારે નવા કેસ આવેલા અને ગુરુવારે આ આંકડો ૪૬ હજારને પાર થઈ ગયેલો, ખાસ વાત એ છે કે દેશના કુલ કેસ પૈકી કેરળમાંથી ૬૦ ટકાથી વધારે કેસ સામે આવ્યા છે. છેલ્લા ૬ દિવસમાં એક લાખ ૩૦ હજારથી વધારે નવા કોરોના કેસ સામે આવી ચૂક્યા છે. ઓણમ બાદ કેરળમાં કોરોનાના કેસમાં મોટાપાયે ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવિટી રેટ ૧૯ ટકાથી ઉપર પહોંચી ગયો છે.કેરળમાં ઓણમ ઉત્સવ બાદ સંક્રમિતોની સંખ્યા વધી છે, અહીં ૧૪ જિલ્લામાંથી સાત જિલ્લા એર્નાકુલમ, ત્રિશુર, કોઝીકોડ, કલક્કડ, કોલ્લમ,મલપ્પુરમ અને કોટ્ટાયમમાં દરરોજ ૨૦૦૦થી વધારે કેસ સામે આવી રહ્યા છે. કોરોના સંક્રમિતોની સૌથી વધારે સંખ્યા એર્નાકુલમમાંથી છે, જ્યાં ૪૦૦૦થી વધારે કેસ આવી રહ્યા છે. ૩૦૦૦થી વધારે કેસ ધરાવતા જિલ્લામાં-ત્રિશુર, કોઝીકોડ અને મલપ્પુરમ છે.કેરળમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના વાઈસ ચેરમેન (રિસર્ચ) ડોક્ટર રાજીવ જયદેવને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને માહિતી આપી હતી કે વાઈરસનો ડ્રોપલેટ્‌સ હવામાં કેટલા સમય સુધી રહે છે તે ત્યાના હવામાન પર આધાર રાખે છે. કેરળના હવામાનને લીધે એવું બની શકે કે વાઈરસ લાંબા સમય સુધી રહેતો હોય. કેરળમાં કોરોના વિસ્ફોટ માટે કેટલાક કારણો પૈકી એક કારણ પોઝિટિવ દર્દીની મોટી સંખ્યામાં અયોગ્ય રીતે હોમ આઈસોલેશનમાં રાખવાનું છે. કેરળમાં આશરે ૫ લાખ દર્દી પૈકી ફક્ત ત્રણ હજાર દર્દી જ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. કેરળના આરોગ્ય પ્રધાન વીના જ્યોર્જના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં ઘરોમાં રહેલા લોકોમાં કોરોનાની ગતિ વધી ગઈ છે. જેને પગલે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. એક અહેવાલ પ્રમાણે રાજ્યમાં ૩૫ ટકા દર્દી તેમના રહેઠાણો-ઘરોમાં જ સંક્રમિત થઈ રહ્યા છે. તેની પાછળનું સૌથી મોટું કારણ લોકોનું મોટી સંખ્યામાં હોમ ક્વોરન્ટીન થવાનું છે. જ્યારે તમામ સુવિધા હોય ત્યારે જ ક્વોરન્ટીન થવું તેવી અપીલ લોકોને કરવામાં આવી રહી છે.

Previous article૨૪ કલાકમાં ૪૬૭૫૯ નવા કેસ, ૫૦૯નાં મોત
Next articleઅમેરિકાએ આઈએસઆઈએસના ગઢ ઉપર ડ્રોનથી હુમલો કર્યો