અમેરિકાએ આઈએસઆઈએસના ગઢ ઉપર ડ્રોનથી હુમલો કર્યો

214

યુએસ સેના દ્વારા કરાયેલા હવાઈ હુમલામાં કાબુલ બ્લાસ્ટના કાવતરાખોરના માર્યા ગયાના અહેવાલો, હુમલામાં કોઈ નાગરિક જાનહાનિના સમાચાર નથી
કાબુલ,તા.૨૫
કાબુલ એરપોર્ટ પર આઈએસઆઈએસના હુમલામાં ૧૩ સૈનિકો માર્યા ગયા બાદ અમેરિકાએ બદલો લેવાનું શરૂ કર્યું છે. શનિવારે અમેરિકી સેનાએ હવાઈ હુમલામાં આતંકી સંગઠન આઈએસઆઈએસના ઠેકાણાને નિશાન બનાવ્યું હતું. હુમલામાં ટાર્ગેટ (કાવતરાખોર)ના માર્યા ગયા હોવાના અહેવાલ છે. અમેરિકી મીડિયા અનુસાર, અફઘાનિસ્તાનના નાંગહાર પ્રાંતમાં આતંકવાદી સંગઠન આઈએસઆઈએસના અડ્ડાઓને ડ્રોન હુમલા દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા. નાંગહારને આઈએસઆઈએસનો ગઢ માનવામાં આવે છે. અહેવાલો અનુસાર, આ હુમલામાં કથિત કાવતરાખોર માર્યો ગયો છે. રાહતની વાત છે કે આ હુમલામાં કોઈ નાગરિક જાનહાનિના સમાચાર નથી. જોકે, અમેરિકી વહીવટીતંત્ર દ્વારા હજુ સુધી આ હુમલાની પુષ્ટિ કરવામાં આવી નથી. બીજી બાજુ અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર ફરી એક વખત આતંકવાદી હુમલાનો ખતરો છે. અમેરિકાના ગુપ્તચર અહેવાલમાં એરપોર્ટની આસપાસ ફરી એક વખત આતંકવાદી હુમલાની શક્યતા છે. ખતરાને જોતા કાબુલમાં અમેરિકી દૂતાવાસે લોકોને એરપોર્ટના તમામ દરવાજાઓથી દૂર જવાનું કહ્યું છે. આ સિવાય, અમેરિકી દૂતાવાસે એરપોર્ટ પર જતા અમેરિકન નાગરિકો માટે પણ એક એડવાઈઝરી જારી કરી છે. શનિવારે વહેલી સવારે અમેરિકી ડ્રોન હુમલામાં કાબુલ એરપોર્ટ પર આત્મઘાતી બોમ્બ ધડાકા માટે જવાબદાર જૂથમાં એક આતંકવાદી માર્યો ગયો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાંથી ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા એક સભ્યનું મૃત્યુ થયું છે. રાષ્ટ્રપતિ જો બાઈડને ગુરુવારે આત્મઘાતી બોમ્બ ધડાકા માટે આઈએસને જવાબદાર ગણાવ્યું હતું. આઈએસ એક આતંકી જૂથ છે અને પશ્ચિમ અને અફઘાનિસ્તાન તાલિબાન બંનેનો દુશ્મન છે અને ખાસ કરીને ઘાતક હુમલાઓ માટે જાણીતું છે. જણાવી દઈએ કે, કાબુલ એરપોર્ટની બહાર આઈએસઆઈએસ-કે દ્વારા કરવામાં આવેલા આત્મઘાતી હુમલામાં અત્યાર સુધી ૧૭૦ લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે ૨૦૦ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળ્યા છે. આ દરમિયાન કાબુલ એરપોર્ટ પર વધુ એક આતંકી હુમલાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Previous articleત્રીજી લહેર વચ્ચે કેરળમાં સૌથી વધુ કેસો સામે આવતા ચિંતા
Next articleજલિયાવાલા બાગ સ્મારકના રિનોવેટેડ પરિસરનું ઉદઘાટન