૭ વર્ષ જૂની જંત્રીની વિસંગતિઓ શોધવા સર્વે

678
gandhi25422018-5.jpg

રાજય વિધાનસભાના ગત માર્ચ મહિનામાં યોજાયેલા બજેટ સત્ર દરમિયાન રજૂ કરાયેલા કેગના અહેવાલમાં વર્ષ ૨૦૧૧માં નિયત થયેલા જંત્રીના દરોમાં રહેલી વિસંગતતાઓની આકરી ટીકા કરવામાં આવી હતી. આ ટીકાના પગલે રાજય સરકારે જંત્રીના દરોનો સરવે કરીને વિસંગતતાઓ તેમજ મળેલી ફરિયાદોનો અભ્યાસ શરૂ કર્યો છે. જે અંતર્ગત મહેસુલ વિભાગે તમામ જિલ્લાઓમાં સરવે હાથ ધર્યો છે. આ સર્વેનો અહેવાલ સરકાર સમક્ષ રજૂ થશે અને પછી રાજય સરકાર જંત્રીના દરમાં સુધારા-વધારા કરે તેવા સંકેત સુત્રોએ વ્યકત કર્યા હતા.
રાજ્યમાં વર્ષ ૨૦૧૧માં જંત્રીના દરો નક્કી થયા હતા. જંત્રીના દરો દર વર્ષે નિયત કરવાના હોવા છતાં સરકારે ૭ વર્ષથી નવા દરો નક્કી નથી કર્યા કે તેનો રિવ્યૂ પણ કર્યો નથી. બીજીતરફ જંત્રી અંગે અનેક ફરિયાદો ઊઠી હતી પરંતુ સરકારે તેના તરફ કોઇ ધ્યાન આપ્યું ન હતું. 
કેગના રિપોર્ટમાં વિસંગતતાઓ અંગે સરકારની ટીકા કરાઇ છે સાથે જણાવાયું છે કે દર વર્ષે જંત્રીના દર નિયત થતા નહીં હોવાથી સરકારને રેવન્યૂ ગુમાવવી પડે છે. કેગના રિપોર્ટ બાદ આખરે સરકાર હવે મોડી મોડી જાગી છે.
કેગના અહેવામાં સરકાર દ્વારા નક્કી કરાયેલા જંત્રીના દર અવાસ્તવિક છે તેવી ટીકા કરવામાં આવી હતી. કેગે વિસંગતિઓનું ઉદાહરણ આપ્યું હતું કે, અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલા ૧૦૦ ચો.મી.ના ફ્‌લેટની કિંમત જંત્રી પ્રમાણે ૬ લાખ થાય તો બગોદરા ગામના ગ્રામ્ય વિસ્તારમાં ૧૦૦ ચો.મી.નો ફ્‌લેટ ૧૦,૦૫,૦૦ રૂ. કિંમત થાય. આ જ પ્રકારે જમીનના ખુલ્લા પ્લોટોના દર ફ્‌લેટના સંયુક્ત દર કરતા નીચા હોવાથી શહેરી વિસ્તારોમાં બંગલા કરતા ફ્‌લેટની કિંમત બમણા કરતા પણ વધારે થાય છે. જે સંપૂર્ણરીતે અવાસ્તવિક છે.
હાલ અમે જંત્રીના દરોનો વિસ્તૃત અભ્યાસ કરી રહ્યા છીએ. જ્યાં પણ કોઇ મુશ્કેલી કે વિસંગતતા હશે તો તેને દૂર કરવાનો પ્રયાસ કરાશે. જંત્રીના દરોમાં વધારો કે ફેરફાર અંગે આગામી સમયમાં વિચારણા કરાશે. હાલમાં રાજ્ય સરકારે માત્ર સરવે હાથ ધર્યો છે.

Previous articleઅંબાજીમાં બસ પર મધરાતે પથ્થરમારો કરી લૂંટફાટનો કરાયો પ્રયાસ
Next articleગરમીનો કહેર : શહેરમાં ૨૫ લોકો બેભાન : ૧૦૮ને ૧૧૭ કોલ મળ્યા