પૂજ્ય મોરારીબાપુનું હાર, શાલ, ચંદનનું તિલક અને આરતી કરી સ્વાગત કર્યું
પૂજ્ય મોરારીબાપુ નૈમિષારણ્ય તીર્થ (ઉત્તરપ્રદેશ) માં ચાલતી રામ કથાની પૂર્ણાહુતિ બાદ સાંજે ભાવનગર એરપોર્ટ પર પધાર્યા હતા એરપોર્ટ થી નીકળી ગોળીબાર હનુમાનજી મંદિર ખાતે મદનમોહનદાસજી બાપા તથા હનુમાનજી દાદાના દર્શન કર્યા હતા. પરમ પૂજ્ય સંત મદનમોહનદાસજી બાપા ઉપર અપાર સ્નેહ તથા પૂજ્યભાવ હોવાથી પૂજ્ય બાપુએ પૂજ્ય બાપાની તબિયતના ખબર અંતર પૂછ્યા હતા, સંત મદનમોહનદાસજી બાપાએ સહજ અને સરળ સ્નેહથી પૂજ્ય બાપુનું હાર, શાલ, ચંદનનું તિલક અને આરતી કરી સ્વાગત કર્યું હતું. પૂજ્ય મદનમોહનદાસ બાપાના શિષ્યા આદરણીય કલ્યાણીબેન તેમજ શિષ્ય સરજુદાસજી એ પૂજ્ય બાપાની આજ્ઞા પ્રમાણે બધી વ્યવસ્થા કરી હતી. જેમાં પૂજ્ય મદનમોહન દાસજી બાપા પૂજ્ય મોરારીબાપુ બંને સંતોનો એકબીજા પ્રત્યેનો સ્નેહ મૌનમાં પણ સ્પષ્ટપણે છલકાતો હતો. આ પ્રસંગે પૂજ્ય સંત મદન મોહનદાસજી બાપા એ કોરોનાની ગાઈડલાઇન્સ પૂરી થયા બાદ નિમિત્ત માત્ર બુધાભાઈ પટેલના યજમાન પદે ભાવનગર ખાતે જવાહર મેદાનમાં પૂજ્ય બાપુના વ્યાસાસને ભવ્ય રામકથાનું આયોજન થાય તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે બુધાભાઈ પટેલ, દેવીબેન તેમજ દિલીપભાઈ અને ધાર્મિક ભાઈની પુત્રી કામાક્ષીએ બંને સંતોના આશીર્વાદ મેળવ્યા હતા.