ભાવનગર જિલ્લામાં રાત્રી સેશન રાખીને પણ રસીકરણની કામગીરી વેગવાન

146

રસીકરણ માટે આનાકાની કરતા દેવીપૂજક સમાજનું પણ મોટા પાયે રસીકરણ કરાયું : દેવીપૂજક સમાજનાં દેવીના ભુવાઓ- આગેવાનોના સાથ- સહકારથી આ કામગીરી કરાઈ
આપણે કોરોના કાળમાં બીજી લહેરમાં અતિ મુશ્કેલીવાળો સમય આપણે જોઈ ચૂક્યાં છીએ. ત્રીજી લહેરની વાત આવતાં જ આપણા મનમાં ભયનું લખલખું પસાર થઈ જાય છે. કારણ કે, આપણે આપણી સામે જ આપણાં અનેક સ્વજનો ગુમાવી ચૂક્યાં છીએ. આજે પણ કોરોનાથી બચવું હોય તો બસ બે જ ઉપાય છે. એક માસ્ક, સેનિટેશન અને બીજું રસીકરણ…. આ માટે તમામ લોકો કોરોનાની રસી લઇ લે તે ખૂબ જ અગત્યનું છે. જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા આર.સી.ઓ.અધિકારીશ્રી, તાલુકા હેલ્થ ઓફિસરોનાં માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લાનો આરોગ્ય સ્ટાફ રાત-દિવસ લોક સહયોગથી ૧૦૦ ટકા રસીકરણ થાય તે માટે અથાગ મહેનત કરી રહ્યો છે. સિહોર તાલુકા હેલ્થ કચેરીનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સોનગઢમાં ચાલી રહેલી રસીકરણ ઝૂંબેશમાં અમુક ગામમાં, અમુક સમાજનાં લોકો રસી લેતાં નથી તેવું ધ્યાનમાં આવતાં ચોક્કસ સમાજનાં લોકોને શું સમય અનુકૂળ છે? તેમનાં મનમાં રસી વિશે શું માન્યતા છે? તેની જાણકારી મેળવી હતી. આ ઝૂંબેશમાં જણાયું કે, દેવીપુજક સમાજ રસી લેવા માટે આનાકાની કરે છે. રસી લેવા માટે દિવસે સમય અનુકૂળ નથી તેમ જણાયું હતું.
આથી જિલ્લા આરોગ્ય તંત્રએ દેવીપૂજક સમાજને કોરોનાની રસીથી સુરક્ષિત કરવાં માટે રાત્રી રસીકરણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

આ અભિયાન હેઠળ જિલ્લાના આંબલા, અમરગઢ, વાવ, સેદરડા ગામોમાં રાત્રી સેશન રાખીને ઘેર-ઘેર ફરીને માતાજીનાં ભૂવાનાં સહકારથી રસી વિશે લોકોને તેમની ભાષામાં સમજણ અપાઈ હતી. આ કાર્યને સફળ બનાવવાં માટે આંબલા ગામમાં દેવીપૂજક વાસમાં (દશામાં ના ભૂવા) ભૂવા દિલીપભાઈ પરમાર, અમરગઢ ભાથીજી દાદાનાં ભૂવા નાગજીભાઈ, દેવીપૂજક આગેવાનો બુધાભાઈ સાજણભાઇ, લાખાભાઈ સાજણભાઈ તથા આંબલા, અમરગઢ, વાવ, સેદરડાનાં સરપંચશ્રીઓ, ગ્રામપંચાયતનાં સભ્યોનો સહયોગ મળ્યો હતો અને આંબલા- ૭૩, અમરગઢ- ૮૧, વાવ- ૨૬, સેદરડા- ૨૬ લાભાર્થીને આવરી લેવામાં આવ્યાં હતાં.આ રસીકરણને સફળ બનાવવાં માટે સોનગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં મેડિકલ ઓફિસર ડો.મિલનભાઈ ઉપાધ્યાય, તળપદી ભાષાનાં જાણકાર અને અનુભવી સુપરવાઈઝર વિક્રમસિંહ પરમાર, આરોગ્ય કર્મચારીશ્રી અભયસિંહ મોરી, ચેતનભાઈ પરમાર, આશા બહેનો ભાવનાબેન, વનીતાબેન, આશા ફેસિલિટર સવિતાબેન મકવાણા, ફિમેલ હેલ્થ સુપરવાઈઝર મંજુબેન મોરડીયા, આરોગ્ય કર્મચારી મિતાબેન મકવાણા, જીગ્નાબેન ચૌહાણની ટીમ દ્વારા રાત દિવસ જોયાં વગર જહેમત ઉઠાવી હતી. તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઇ વકાણી, તાલુકા હેલ્થ સુપરવાઈઝર અનિલભાઈ પંડિત, હસુમતીબેન ગોહિલે પ્રેરણાદાયક કામગીરી માટે સમગ્ર ટીમની કામગીરીને બિરદાવી હતી.

Previous articleભાવનગર શહેરમાં વરસાદી માહોલ છવાયો, ઝરમર વરસાદ વરસતા લોકોને સારા વરસાદની આશા બંધાઈ
Next articleઅભિનેત્રી શિલ્પા શેટ્ટીએ ફરાહ ખાન સાથે ઠુમકાં લગાવ્યા