ઉમરગામમાં આભ ફાટ્યું, ૧૨ કલાકમાં ૧૨ ઇંચ વરસાદ પડ્યો

156

અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના આપવામાં આવી છે, તંત્રએ પોતાની તમામ મશીનરી રાહત અને બચાવકામગીરીમાં લગાવી દીધી છે
વલસાડ,તા.૩૧
વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે સૌથી વધુ વરસાદ ઉમરગામ તાલુકાના ૯ ગામોમાં ૩૬૬ લોકોને શેલ્ટર હોમમાં સ્થળાંતર કરવામાં આવ્યા, હજુ સ્થળાંતર માટે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ છે. અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના આપવામાં આવી છે. તંત્રએ પોતાની તમામ મશીનરી રાહત અને બચાવકામગીરીમાં લગાવી દીધી છે. વલસાડ જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને લઈને સોમવારે મોડી રાત્રિથી ગાજ વીજ સાથે જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
જિલ્લાનું વહીવટી તંત્ર હવામાન વિભાગના એલર્ટ થઈ ગયું હતું. જિલ્લાના તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના આપવામાં આવી છે. મંગળવારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં પડેલા ૧૦ ઇંચ વરસાદને લઈને ઉમરગામ તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. ઉમરગામ તાલુકાના સંજાણ, ફણસા, કરમબેલી, બિલિયા, ગોવાડા, ડહેલી માંડા, ખતલવાડા અને કલગામ સહિત ૯ ગામોમાં અસર ગ્રસ્ત વિસ્તારોમાં ૩૬૬ લોકોનું સ્થાનિક વહીવટી તંત્રએ નજીકના શેલ્ટર હોમમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. જિલ્લાનું વહીવટી તંત્ર દરેક પરિસ્થિતિને પહોંચી વળવા સાતર્ક છે. સ્થાનિક લોકોને જિલ્લા કલેક્ટરે સ્થાનિક લોકોને સમય સંજોગોને લઈને સ્થળાંતર થવા અંગે સૂચના આપવામાં આવે ત્યારે તાત્કાલિક સ્થળાંતર થવા માટે વિનંતી કરવામાં આવી છે. જેતે વિસ્તારોમાં પાણી ઉતરી ગયા બાદ સ્થળાંતર થયેલા લોકોને ઘરે પરત મોકલી આપવામાં આવે છે. ઉમરગામ તાલુકાના અધિકારીઓ વરસાદી પાણી નિકાલની વ્યવસ્થા કરવા જોતરાઈ ગયા છે. અત્રે નોંધનીય છે કે, વલસાડ જિલ્લામાં જન્માષ્ટમીની રાત્રે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. વલસાડ જિલ્લામાં રાત્રે ૨ વાગ્યાથી શરૂ થયેલ મેઘમહેર બીજા દિવસે બપોર સુધી યથાવત્ત રહી હતી. ૧૨ કલાકમાં જિલ્લામાં સૌથી વધારે ઉમરગામ તાલુકામાં ૧૨ ઇંચ, વાપીમાં ૬ ઇંચ, પારડીમાં ૨ ઇંચ, કપરાડામાં ૩ ઇંચ અને વલસાડમાં પોણા બે ઇંચ વરસાદ પડી ચુક્યો છે. ખેડૂતો આ વરસાદથી ખુબ જ ખુશ છે. ઉમરગામ પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે વારોલી નદીમાં આવ્યું ઘોડાપૂર આવ્યું છે. કપરાડા અને ધરમપુર ના જંગલ વિસ્તારમાં સારા વરસાદના કારણે જિલ્લાની તમામ નદીઓ બંને કાંઠે વહેતી થઇ. દમણગંગા, કોલક અને પાર નદીમાં આવેલા નવા નીરને કારણે ધરતીપુત્રોમાં આનંદીત છે. લાંબા વિરામ બાદ જીલ્લામાં સારો વરસાદ પડતા ખેતીલાયક પાણી નદીઓમાં આવતા જિલ્લામાં પાણીની સમસ્યા દૂર થઇ છે. ભારે વરસાદને કારણે જિલ્લાના ૧૯ જેટલા રસ્તાઓ બંધ થઇ ચુક્યાં છે. ઉમરગામ તાલુકામાં સૌથી વધુ વરસાદને કારણે ૧૬ જેટલા રસ્તાઓ બંધ થયા છે. પારડી તાલુકાના ૨ રસ્તાઓ તો કપરાડા નો ૧ રસ્તો બંધ થઇ ગયો છે. રાહત અને બચાવકામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જિલ્લા કલેકટર એ ટ્‌વીટ કરી માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે, લાંબા વિરામ બાદ જન્માષ્ટમીથી રાજ્યભરમાં વરસાદી માહોલ ફરીથી જામ્યો છે. ત્યારે જગતના તાતને રાહત મળી છે. વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે હજી ૨ સપ્ટેમ્બર સુધી વરસાદ વરસશે તેવી આગાહી કરી છે. આજે રાજ્યમાં સવારનાં ચાર ૪ કલાકમાં રાજ્યના ૩૪ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં વલસાડના ઉમરગામમાં સૌથી વધુ ૫ ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે વાપીમાં ૪ ઈંચ વરસાદ, કપરાડામાં ૨ ઈંચ, પારડીમાં ૧.૨૫ ઈંચ વરસાદ વરસતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. વલસાડ જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ ફરી એક વખત વરસાદી માહોલ છવાયો છે. જન્માષ્ટમીની મોડી રાતથી જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. મોડી રાતથી જિલ્લાના ઉમરગામ, વલસાડ, વાપી અને પારડી તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. મોડી રાતથી સવાર સુધી જિલ્લામાં વરસેલા વરસાદને કારણે ઉમરગામ અને વાપીના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં થોડા સમય સુધી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. જિલ્લામાં મોડીરાતથી થયેલી મેઘ મહેરથી ખેતીના પાકને નવજીવન મળ્યું છે. આથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. એક અઠવાડિયા સુધી મેઘરાજાએ જિલ્લામાં વિરામ લેતા ખેતીના પાકોમાં પાણીની ખેંચ વર્તાઇ હતી. આથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ હતો જોકે હવે ફરી એક વખત જિલ્લામાં થયેલી મેઘ મહેરને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. રાજ્યમાં ૩૧મી ઓગસ્ટ બાદ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી વલસાડમાં ભારે વરસાદની શક્યતા સેવાઇ રહી છે. રાજ્યમાં આણંદ અને ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ખેડા, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસી શકે છે. પહેલી સપ્ટેમ્બરના રોજ રાજ્યના ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, રાજકોટ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ ૩ થી ૧૦ સપ્ટેમ્બરની વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Previous articleરાજ્યમાં આગામી ૫ દિવસમાં ભારે વરસાદની આગાહી
Next articleરાજ્યભરમાં જન્માષ્ટમીની ભાવભેર ઉજવણી કરાઈ