સમાજ જ્યાં સુધી શાસ્ત્રમાં રહેલા જ્ઞાનભંડારથી અંજાન રહેશે ત્યાં સુધી ભારતીય સંસ્કૃતિનું મહત્વ નહીં સમજી શકેઃ શ્રી મહર્ષિગૌતમ
ભાગવત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે આવેલ ગુજરાતની પ્રતિષ્ઠિત શ્રી વરતન્તુ સંસ્કૃત મહાવિદ્યાલય (સોલા) દ્વારા દસ દિવસીય નિઃશુલ્ક સંસ્કૃત સમ્ભાષણ શિબિરનો શુભારંભ કરાયો. જેમાં સંસ્થાના સંવાહક ટ્રસ્ટી શ્રી ભાગવત ઋષિજીએ શુભાશિષ પાઠવ્યા હતા. તેમજ આ ભગીરથ કાર્યમાં કથાકાર ધનેશ્વરભાઈ જોષી, વિદ્યાલયના ગુરુજી ભાવેશભાઈ, સૌરભભાઈ વર્ગ સંચાલક શ્રી મહર્ષિગૌતમ દવે અને ધોરણ ૯ થી આરંભીને કોલેજ સુધીના ૧૦૦ વિદ્યાર્થીઓએ ભાગગ્રહણ કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ વર્ગ આજથી આરંભીને નવ દિવસ નિયમિત રૂપે સવારના ૮ થી ૧૦ વાગ્યા સુધી સરસ્વતી વિહાર ભવનમાં ચાલશે. આ વર્ગમાં ભાગગ્રહણ કરવા ઈચ્છતા દરેક નાગરિકોએ પોતાનું નામ ગૃહપતિ કૌશિકભાઈ જોશી પાસે નોંધાવવાનું રહેશે. આ વર્ગનો ઉદ્દેશ્ય ફક્ત પોપટની જેમ સંસ્કૃત બોલવાનો નથી પણ ભારતીય સંસ્કૃતિ અને વેદ શાસ્ત્રોના સંરક્ષક કહેવાતા વિદ્વાન કેમ બનાય તેમના જીવનમાં પોતે કેટલો સંઘર્ષ કર્યો છે તે જણાવવાનો છે.