GST આવક ૩૦ ટકા વધી, કલેક્શન ૧ લાખ કરોડને પાર

111

ઓગસ્ટમાં ગ્રોસ જીએસટી રેવેન્યુ ૧,૧૨,૦૨૦ કરોડ, જુલાઈ-૨૧ની સરખામણીમાં ઓગસ્ટમાં કલેક્શન ઘટ્યું
નવી દિલ્હી,તા.૧
જીડીપીના આંકડામાં સુધારા બાદ હવે ગુડ્‌સ એન્ડ સર્વિસિસ ટેક્સ એટલે કે જીએસટી કલેક્શન અંગે સારા સામાચાર આવ્યા છે. જીએસટી રેવેન્યુ કલેક્શન એક વખત ફરી એક લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. ઓગસ્ટ મહિનામાં ગ્રોસ જીએસટી રેવેન્યુ ૧,૧૨,૦૨૦ કરોડ રૂપિયા રહ્યું. એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની સરખામણીએ જીએસટીની આવકમાં ૩૦ ટકાનો વધારો થયો છે. જોકે, જુલાઈ ૨૦૨૧ની સરખામણીમાં ઓગસ્ટમાં જીએસટી કલેક્શન ઘટ્યું છે. જુલાઇ, ૨૦૨૧માં ૧,૧૬,૩૯૩ કરોડ રૂપિયાનું ગ્રોસ જીએસટી રેવેન્યુ કલેક્શન હતું. આમાં સીજીએસટી ૨૨,૧૯૭ કરોડ રૂપિયા, એસજીએસટી ૨૮,૫૪૧ કરોડ રૂપિયા, આઇજીએસટી ૫૭,૮૬૪ કરોડ રૂપિયા અને સેસ ૭,૭૯૦ કરોડ રૂપિયા સામેલ છે. જણાવી દઇએ કે, જીએસટી કલેક્શન સતત આઠ મહિના સુધી એક લાખ કરોડથી વધુ રહ્યાં બાદ જૂન ૨૦૨૧માં ઘટીને ૧ લાખ કરોડ રૂપિયાની સપાટીની નીચે આવી ગયું હતું. જૂન ૨૦૨૧ દરમિયાન કલેક્શન ઘણી હદ સુધી મે ૨૦૨૧ સાથે સંબંધિત હતું. મે ૨૦૨૧ દરમિયાન મોટાભાગના રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશો કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યાં હતાં. કોવિડ સંબંધિત પ્રતિબંધોમાં હળવાસ સાથે જ જુલાઇ અને ઓગસ્ટ ૨૦૨૧ માટે જીએસટી કલેક્શન ફરીથી ૧ લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગયું છે. આનાથી સ્પષ્ટ સંકેત મળે છે કે, અર્થતંત્રમાં ઝડપથી સુધારો થઇ રહ્યો છે. આગામી મહિનાઓમાં પણ જીએસટી રેવન્યુ કલેક્શન મજબૂત રહે તેવી શક્યતા છે.

Previous articleદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૧૯૬૫ લોકો સંક્રમિત
Next articleઓલ ટાઈમ હાઈ બતાવ્યા બાદ સેન્સેક્સ-નિફ્ટીએ બઢત ગુમાવી