લાંબા સમય બાદ શાળાએ પહોંચેલા વિધાર્થીઓમાં અનેરો ઉત્સાહ : વાલીઓ, શિક્ષણ વિભાગ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે કપરી કસોટી
કોરોના મહામારી ના લાંબા સમયગાળા બાદ ભાવનગર શહેર-જિલ્લામાં પ્રાઇમરી શિક્ષણ કાર્ય આજથી શરૂ થયું છે. ધોરણ ૬ થી ૮માં અભ્યાસ કરતાં લગભગ સાડા ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીઓ આજથી વર્ગખંડમાં અભ્યાસ શરૂ કરેલ. ઓફલાઈન શિક્ષણ કાર્યને લઈને જિલ્લા શિક્ષણ તંત્ર તથા શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા તકેદારીના વિશેષ પગલાં ઓ લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્યભરની સાથોસાથ ભાવનગરની શાળાઓમાં લાંબા સમયબાદ ધો. ૬થી ૮ના વિધાર્થીઓ શાળાએ પહોંચ્યા હતા. જેમાં તેમનાં ઉત્સાહનો પાર બેવડાયો હતો. જો કે, ઓફલાઇન શિક્ષણ શરૂ થતાં વાલીઓ, શિક્ષણ વિભાગ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે કપરી કસોટી સમાન છે. સમગ્ર રાજ્ય સાથોસાથ ભાવનગર શહેર જિલ્લામાં “કોરોના મહામારી”નું લગાતાર બે વર્ષ સુધી સામ્રાજ્ય અકબંધ રહ્યાં બાદ હવે ગુજરાતનાં અન્ય મહાનગરો સાથોસાથ ભાવનગર શહેર અને જિલ્લામાં આ મહામારીની બીજી લહેર ઓસરતા સાથે પરિસ્થિતિ થાળે પડતા ગુજરાત સરકારે પ્રથમ કોલેજોમાં ત્યારબાદ માધ્યમિક શાળાઓમાં ઓફલાઈન શૈક્ષણિક કાર્યો શરૂ કર્યું હતું જેમાં ધાર્યા મુજબ સફળતા મળવા સાથે બધું બરાબર ચાલતા રાજ્ય સરકારે હવે પ્રાથમિક શિક્ષણના વર્ગો ઓફલાઈન શરૂ કરવાની પહેલ હાથ ધરી છે જે અંતર્ગત આજરોજ સમગ્ર રાજ્ય માં ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે વર્ગખંડમાં શિક્ષણ કાર્યને શરતી મંજૂરી સાથે સંમતિ આપવામાં આવી છે જેમાં જે વાલીઓ શાળાના કલાસરૂમ માં પોતાના સંતાનોને ભણવા મોકલવા ઈચ્છે છે. એ વાલીઓએ જેતે શાળાને સંમતિપત્રક ભરી આપવું ફરજિયાત રહેશે અને સંભવતઃ શાળામાં અભ્યાસ અર્થે આવેલ બાળક સંક્રમિત થાય તો એના માટે શાળા કે શૈક્ષણિક સંસ્થાઓ જવાબદાર રહેશે નહીં! સમગ્ર રાજ્ય માં બે અઠવાડિયા સુધી તૈયારીઓ ચાલી હતી જેમાં શૈક્ષણિક સંસ્થાઓ તથા શિક્ષણ સંદર્ભે જોડાયેલા તમામ વ્યક્તિ ઓ માટે વેક્સિનેશન ફરજિયાત,વર્ગખંડો માં મેડિકલ વિભાગની ગાઈડલાઈન મુજબ બેઠક વ્યવસ્થા, જો કોઈ સંક્રમિત થાય તો પ્રાથમિક પગલાઓ કેવા પ્રકારના લેવા એ બાબતો અંગે જિલ્લા તથા તાલુકા મથકે સેમિનાર યોજવામાં આવ્યો હતો આ સેમિનાર માં શૈક્ષણિક સંસ્થાઓ ના સંચાલકો શિક્ષકો જોડાયા હતા.