૧૫મી પછી શિક્ષકાત્મક કાર્યવાહીની ચિમકી
ભાવનગર જિલ્લા પંચાયત અને તેને સંલગ્ન કચેરીઓમાં અધિકારી કર્મચારીઓ, નિયમીત પોતાની ફરજમાં હાજર થાય તે માટે તેમજ કર્મચારીઓ પોતાની ફરજમાં બેદરકારી ન દાખવે તેવા હેતુથી ઓનલાઇન બાયોમેટ્રીક્સ અટેન્ડન્સ સિસ્ટમ દ્વારા હાજરી પુરવાનું શરૂ કરાયું છે. ૧લી સપ્ટેમ્બરથી જિલ્લા પંચાયત અને તેના નિયંત્રણની કચેરીઓમાં તમામ વર્ગના અધિકારી કર્મચારીઓએ ઓનલાઇન બાયોમેટ્રીક્સ સિસ્ટમ દ્વારા જ ફરજીયાત હાજરી પુરવા ભાવનગર જિલ્લા વિકાસ અધિકારીએ હુકમ કર્યો છે. રાજ્ય સરકારે પણ ગત ૭મી જુનથી કર્મચારીઓની હાજરી ૧૦૦% સાથે રાબેતા મુજબ કામગીરીની સુચના આપી છે. તેમછતાં હજુ જિલ્લા પંચાયતને ઓનલાઇન બાયોમેટ્રીક્સ અટેન્ડન્સ યાદ આવ્યું નહીં. પરંતુ ૧લી સપ્ટેમ્બરથી જિલ્લા પંચાયત અને તેના નિયંત્રણ હેઠળની તમામ કચેરીઓમાં વર્ગ ૧ થી ૪ ના તમામ અધિકારી કર્મચારીઓની હાજરી ઓનલાઇન બાયોમેટ્રીક્સ અટેન્ડન્સ સિસ્ટમથી ફરજીયાત પુરવા જિલ્લા વિકાસ અધિકારીએ સુચના આપી છે.
જે તે કચેરીઓમાં સિસ્ટમ ચાલુ કર્યાનું પ્રમાણપત્ર પણ ૧૫મી સપ્ટેમ્બર સુધીમાં આપવા તેમજ ૧૫મી પછી કોઇ બાયોમેટ્રીક્સ સિસ્ટમ દ્વારા હાજરી નહીં પુરે તો તેની ગેરહાજરી ગણી તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની પણ ચિમકી આપી છે.