રાજ્ય સરકાર દ્વારા અનેક લોક ઉપયોગી કાર્યો કરવામાં આવે છે. પરંતુ જો નિષ્ઠાવાન કર્મચારીઓને લોક સહયોગ મળે તો વાત રંગ લાવતી હોય છે.
સ્વાસ્થ્ય સાથે પ્રકૃતિ રક્ષાનું આવું જ એક કાર્ય ભાવનગર જિલ્લાના અધેલાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું છે. કાર્ય નાનું છે પરંતુ પ્રકૃતિના જતન- સંવર્ધન માટે મોટું કદમ છે.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અધેલાઇના મેડિકલ ઓફિસર ડો.હરપાલસિંહ ગોહિલના નેતૃત્વમાં છેવાડાના માનવીને સારવાર મળે તે માટે તો સતત પ્રયત્નશીલ છે જ આ ઉપરાંત તેઓ અને તેમની ટીમ પ્રકૃતિ રક્ષા માટે પણ એટલાં જ સક્રિય રીતે કાર્ય કરી રહ્યાં છે. તેમની કામગીરી અને નિષ્ઠાની સુવાસને લઈને લોક આગેવાનો શક્તિસિંહ ચુડાસમા (બાવળીયારી) તેમજ વનારાજસિંહ ચુડાસમાએ પારખીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અધેલાઇમાં વૃક્ષોનું દાન આપ્યું હતું. આ વૃક્ષોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં વૃક્ષારોપણ આ આગેવાનોની ઉપસ્થિતિમાં તાજેતરમાં કરવામાં આવ્યું હતું. આ આગેવાનોએ જણાવ્યું હતું કે, આ ટીમે કોરોનાકાળમાં તેમજ હાલમાં આરોગ્યની સેવાની પ્રસંશનીય કામગીરી કરી છે. તેઓએ ભવિષ્યમાં કોઈપણ જરૂરિયાત પડે તો તમામ સહયોગની પણ ખાત્રી આપી હતી.