ભારત દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાતી એવી પરમાણું અને સોલાર સહિત ચતુર્મુખી યોજનાઓ અંગે લોકોમાં જાગૃતતા લાવવા માટે પરમાણુ સહેલી ડો.નિલમ ગોયલ દ્વારા ભાવનગર ખાતે આજે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટીસંખ્યામાં લોકો જોડાયા હતા.
નિલમબાગ ખાતેથી નિકળેલી આ મહારેલીમાં મહારાજા વિજયરાજસિંહજી, મેયર નિમુબેન બાંભણીયા, કુલપતિ ડો.શૈલેષ ઝાલા, ડીવાયએસપી ડી.ડી. ચૌધરી, વાયુસેનાના કેપ્ટન આર.વી. ચૌધરી, જલસેનાના પ્રસાદ, થલ સેનાના કર્નલ જારૂડ સહિત ઉપસ્થિત રહ્યાં હતા અને રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે ડો.નિલમ ગોયલે જણાવેલ કે, ભારતના વિકાસની ચાર મુખ્ય યોજના જેમાં નદીઓના અંતર સંવધ યોજના, કૃષિ, સડક તેમજ પ૦૦૦ યુનિટ પ્રતિ વ્યક્તિ પ્રતિ વર્ષ વિજળી ઉત્પાદનની યોજના અંગે માહિતી આપી હતી અને આ યોજનાઓથી લોકોમાં જાગૃતિ લાવવા અંગેની કામગીરી પોતે કરી રહ્યાં હોવાનું જણાવેલ અને ભાવેણાવાસીઓને આ યોજનાથી જાગૃત કરવા તેમજ પરમાણુ ઉર્જા પ્રત્યે સકારાત્મક વલણ દાખવવાના આશય સાથે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
નિલમબાગ ખાતેથી નિકળેલી મહારેલી સર ટી.હોસ્પિટલ, દાદાસાહેબ દેરાસર, કાળાનાળા, સંત કંવરરામ ચોક, વાઘાવાડી રોડ સહિત ફરી હતી. જેમાં એનસીસી કેડેટ્સ, વિદ્યાર્થીઓ, આગેવાનો, નગરજનો મોટીસંખ્યામાં જોડાયા હતા.