શહેરની સર ટી. હોસ્પિટલમાં ગત મોડીરાત્રે બેબી વોર્ડમાં શોટસર્કિટના કારણે એસીમાં આગનો બનાવ બનવા પામ્યો હતો. આગ લાગતા વોર્ડમાં ભાગાભાગી થઈ જવા પામી હતી. સર ટી. હોસ્પિટલના સ્ટાફે તુરંત સમય સુચકતા વાપરી વોર્ડમાં રહેલા રપ બેબીને અન્ય વોર્ડમાં ખસેડયા હતા.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં ગોપીનાથ પ્રસુતિ ગૃહની બાજુમાં નવજાત શિશુ વોર્ડ (એનઆઈસીયુ વોર્ડ)ના એસીના વાયરીંગમાં શોટ સર્કિટ થતા આગનો બનાવ બનતા ગેસ લીક થયો હતો. જેના કારણે ધુમાડાના ગોટેગોટા નિકળવા લાગ્યા હતા અને વોર્ડમાં હોર્મર પેટીમાં રાખેલા રપ નવજાત શિશુઓના જીવ જોખમમાં મુકાયા હતા. જો કે સર ટી.ના સ્ટાફની સમય સુચકતાથી રપ બાળકોને અન્ય વોર્ડમાં ખસેડાયા હતા અને મેહુલભાઈ માંડવિયા નામના વ્યક્તિએ ફાયરબ્રિગેડને બનાવની જાણ કરતા તુરંત ફાયર સ્ટાફ દોડી જઈ અડધી ગાડી પાણીનો છંટકાવ કરી આગને ઓલવી નાખી હતી.
જો બચાવ કામગીરીમાં થોડુ પણ મોડુ થયું હોત તો આ બનાવ કેટલો ગંભીર બન્યો હોત તે કલ્પના પણ ધ્રુજાવી જાય છે.