રાજવી પરિવારની ધ્વજા ચડાવાની વિધિ સહિતની પરંપરા જળવાશેઃ ધાર્મિક પરંપરાઓ જળવાશે પરંતુ ભાવિકોને સમુદ્ર સ્નાન, એકત્ર થવા પર પ્રતિબંધ, ઋષિ પાંચમેં પણ કોળીયાકમાં સમુદ્ર સ્નાન નહિ કરી શકાય
ભાવનગરના કોળીયાકના સમુદ્ર તટે પ્રતિવર્ષ ભાદરવી અમાસના દિવસે લોકમેળાની પરંપરા રહી છે. પરંતુ કોરોના કારણે સતત બીજી વખત આ વર્ષે ભાદરવીનો મેળો રદ કરી દેવાયો છે. વહીવટી તંત્ર અને કોળીયાક ગ્રામ પંચાયત વચ્ચેની બેઠકમાં ભાદરવી અમાસનો મેળો રદ કરતો નિર્ણય લઇ જાહેરાત કરાઈ છે.તારીખ ૬ સપ્ટેમ્બરને સોમવારે શ્રાવણ માસનો અંતિમ દિવસ ભાદરવી અમાસ છે પરંતુ આ વર્ષે પણ લોકો સમુદ્ર સ્નાન માટે કોળીયાક નહીં જઈ શકે. આથી ભવિકોમાં કચવાટ વ્યાપ્યો છે. રાજકીય મેળા થઈ શકે તો ધાર્મિક મેળાઓ કેમ નહીં .? તેવો પ્રશ્ન પણ લોકોમાં ઊઠ્યો છે.!કોળીયાકના સમુદ્ર મધ્યે બિરાજતા નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસના દિવસે પવિત્ર સમુદ્રસ્નાન કરી નિષ્કલંક થવાની પ્રથા છે. અહી મહાભારત યુગમાં પાંડવોએ સમુદ્ર મધ્ય શિવલિંગની સ્થાપના કરી અને સ્નાન કરવાથી નિષ્કલંક થયાની લોકવાયકા છે, પ્રતિ વર્ષ શ્રાવણના અંતિમ દિવસે ભાદરવીનો લોક મેળો ભરાય છે જેનુ વિશેષ મહત્વ રહેલું છે. ભાવનગર જીલ્લો જ નહિ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાતમાંથી પણ આ દિવસે ભાવિકો કોળીયાક ખાતે ઉમટી પડી નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં પવિત્ર સમુદ્ર સ્નાન કરતા હોય છે. આ ઉપરાંત ઋષિ પાંચમના દિવસે પણ અહીં સમુદ્ર સ્નાનનું અનેરૂ મહત્વ રહેલું છે પરંતુ સતત બીજા વર્ષે પણ કોરોના સંક્રમણ ફેલાવાની ભીતિના પગલે ભાદરવી અમાસનો મેળો અને ઋષિ પાંચમનું સમુદ્ર સ્નાન આ બંને પર વહીવટી તંત્રએ પ્રતિબંધ લાદ્યો છે.ભાવનગર કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં તા.૫ અને ૬ બંને દિવસોમાં આ જાહેરનામું અમલમાં આવશે, જેમાં કોરોના ગાઈડલાઈન અનુસાર ૪૦૦ થી વધુ વ્યક્તિઓએ એકત્ર થવા પર પ્રતિબંધ હોવાથી લોકમેળો શક્ય નથી. આથી ભાદરવી અમાસના દિવસે ધાર્મિક પરંપરા જળવાશે પરંતુ લોક મેળો નહીં થઈ શકે જ્યારે આ દિવસે પિતૃ તર્પણ વિધિ અને અસ્થિ વિસર્જન જેવી ધાર્મિક ક્રિયાઓનું પણ વિશેષ મહત્વ હિન્દુ શાસ્ત્રમાં રહેલું છે આથી આ વિધિ પુરતી લોકોને આવવા જવા મંજૂરી અપાઇ હોવાનું તેમણે ઉમેર્યું હતું.