ભાજપમાં જવું એ ભૂલ હોવાની કબૂલાત કરતા પક્ષની માફી માગી, અનેક લોકો ટીએમસીમાં સામેલ થવા આતુર
કોલકાતા, તા.૪
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની પેટાચૂંટણીની તારીખોની જાહેરાત બાદ ભારતીય જનતા પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સુમન રોય પાર્ટી છોડીને મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા છે. તૃણમૂલ કોંગ્રેસના નેતા પાર્થ ચેટર્જીએ કહ્યું કે કાલિયાગંજથી ભાજપના ધારાસભ્ય સુમન રોય બંગાળ અને ઉત્તર બંગાળના વિકાસ માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે. તે બંગાળની સંસ્કૃતિ અને વારસાને અકબંધ રાખવા માંગે છે. તેમણે કહ્યુ કે પોતાના પૂર્વ સહયોગીને ફરીથી સામેલ કરવા માટે પાર્ટીના મહાસચિવ તરીકે અહીં આવ્યો છુ.
ટીએમસીમાં સામેલ થયા બાદ સુમન રૉયે કહ્યુ કે હુ ટીએમસીપીનો વિદ્યાર્થી હતો. ભાજપમાં સામેલ થયો અને ટિકિટ લઈને તેમના માટે જીત પ્રાપ્ત જરૂર કરી પરંતુ મારૂ મન ટીએમસીમાં હતુ. લોકોએ ૨૧૩ બેઠક પર આશીર્વાદ વરસાવ્યા છે. અમારા નેતા, ઉત્તર બંગાળ અને બંગાળના વિકાસ માટે ઘણુ કામ કરી રહ્યા છે. તેમણે કહ્યુ, એ મારી ભૂલ હતી કે હુ ભાજપમાં ગયો. મે તેમની માફી માગી છે. ઘણા લોકો ભાજપમાંથી ટીએમસીમાં સામેલ થવાની રાહ જોઈ રહ્યા છે. ભવાનીપુર બેઠક વિશે પાર્થા ચેટર્જીએ કહ્યુ કે ચૂંટણી લોકતંત્રનો એક ભાગ છે. અમે ભવાનીપુર માટે મમતા બેનર્જીનું નામ બહુ પહેલા જાહેર કરી દીધુ હતુ. મમતા બેનર્જી રેકોર્ડ અંતરથી ચૂંટણી જીતશે.